Omicron Community Spread: ભારતમાં Omicron કોમ્યુનિટી ટ્રાંસમિશન સ્ટેજમાં પહોંચ્યોઃ કેન્દ્ર સરકાર
Omicron Community Spread: INSACOG એ તેના નવીનતમ બુલેટિનમાં જણાવ્યું કે કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજમાં છે .
Omicron Community Spread: દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ માઠા સમાચાર આવ્યા છે. ભારતમાં ઓમિક્રોન કમ્યુનિટી ટ્રાંસમિશન સ્ટેજમાં પહોંચી ગયો હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે. કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ પર પહોંચી ગયું છે. અને તેની અસર ઘણા મહાનગરોમાં જોવા મળી રહી છે, જ્યાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. INSACOG એ તેના નવીનતમ બુલેટિનમાં આ માહિતી આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં ઓમિક્રોનનું ચેપી સબ-વેરિઅન્ટ BA.2 પણ મળી આવ્યું છે. INSACOG, તેના 10 જાન્યુઆરીના બુલેટિનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીના મોટાભાગના ઓમિક્રોન કેસો એસિમ્પટમેટિક અથવા હળવા છે.
વર્તમાન લહેરમાં હોસ્પિટલમાં દાખલ થવા અને ICUના કેસમાં વધારો થયો છે અને જોખમના સ્તરમાં કોઈ ફેરફાર થયો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ઓમિક્રોન હવે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજમાં છે અને તેની અસર ઘણા મેટ્રોમાં જોવા મળી છે, જ્યાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. BA.2 વંશ ભારતમાં નોંધપાત્ર પ્રમાણમાં છે અને S જનીન ડ્રોપઆઉટ આધારિત સ્ક્રીનીંગ આમ ઉચ્ચ ખોટા નકારાત્મક પરિણામો આપે તેવી શક્યતા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે.દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે. દેશમાં 22 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કુલ એક્ટિવ કેસઃ 21,87,205
કુલ ડિસ્ચાર્જઃ 3,65,60,650
કુલ મૃત્યુઆંકઃ 4,89,409
કુલ રસીકરણઃ 161,92,84,270 (જેમાંથી ગઈકાલે 71,10,445 ડોઝ આપવામાં આવ્યા હતા.)