Parliament Winter Session: સંસદ સત્ર પહેલા બેઠકોનો દોર, PM મોદી બે સર્વપક્ષીય બેઠકમાં થઈ શકે છે સામેલ
Parliament Winter Session 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના શિયાળુ સત્ર પહેલા બે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લઈ શકે છે.
Parliament Winter Session 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના શિયાળુ સત્ર પહેલા બે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લઈ શકે છે. આ બંને બેઠક 28 નવેમ્બરે યોજાશે. સૌપ્રથમ, સવારે 11:30 વાગ્યે કેન્દ્ર સરકાર દ્વારા એક બેઠક બોલાવવામાં આવશે, જેમાં બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા)ના તમામ પક્ષોના નેતાઓ ભાગ લેશે. આ પછી, તે જ દિવસે સાંજે 7 વાગ્યે લોકસભા અધ્યક્ષની બેઠક થશે. પીએમ મોદી પણ આમાં સામેલ થાય તેવી શક્યતા છે.
29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ સમગ્ર સત્ર દરમિયાન લગભગ 20 બેઠક થશે. સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે.
મહત્વનું છે કે કોવિડ-19 મહામારીને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું. બજેટ સત્ર અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે. લોકસભા સચિવાલયે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે 17મી લોકસભાનું સાતમું સત્ર 29 નવેમ્બર 2021ના રોજ શરૂ થશે. સત્તાવાર વ્યવસાયની આવશ્યકતાઓને આધિન સત્ર 23 ડિસેમ્બર, 2021ના રોજ સમાપ્ત થવાની સંભાવના છે. તે જ સમયે રાજ્યસભાએ પણ આવો જ આદેશ જાહેર કર્યો હતો.
આ વખતે સંસદ સત્રમાં હોબાળો થવાની ધારણા છે. વિપક્ષ ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. જો કે, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું છે કે તેઓ શિયાળુ સત્રના સુચારુ સંચાલન માટે તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે અને તેમને આશા છે કે સત્ર અવિરત ચાલશે અને બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)માં નક્કી કરાયેલા તમામ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. તમામ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થશે.
કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો સહિત વિવિધ વિપક્ષી દળોએ આગામી સંસદ સત્ર દરમિયાન પેગાસસ જાસૂસી કેસ, ખેડૂતોની માંગણીઓ, મોંઘવારી, ED-CBI ચીફનો કાર્યકાળ વધારવા માટે લાવવામાં આવેલ વટહુકમ સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનું કહ્યું છે.