UNSC બેઠકની અધ્યક્ષતા કરનારા પ્રથમ ભારતીય PM બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે ભારતનો મત રહ્યો છે કે દરિયાઇ સુરક્ષા પર કોઇ પણ એક દેશ નિર્ણય કરી શકતો નથી જેના કારણે આ વિષય પર વ્યાપક રીતે ચર્ચા કરવા અને સહમતિ સાધવાની જરૂર છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે દરિયાઇ સુરક્ષા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક મહત્વપૂર્ણ બેઠકમાં અધ્યક્ષતા કરશે. આ મહિને ભારતની આગેવાનીમાં કામ કરી રહેલી સુરક્ષા પરિષદ માટે દરિયાઇ સુરક્ષા પર આ બેઠકને એક મહત્વપૂર્ણ એજન્ડાના રૂપમાં નક્કી કરવામાં આવી હતી. સોમવારે યોજાનારી આ બેઠક ખાડીમાં ઓઇલ ટેન્કર પર થયેલા હુમલાને લઇને ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે.
ભારતના વિદેશ મંત્રાલયના મતે સુરક્ષા પરિષદની બેઠકમાં દરિયાઇ ક્ષેત્રમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સુરક્ષાને ઓછી કરવા અને પરસ્પર તાલમેલ વધારવાને લઇને મંથન થશે. બેઠકમાં અનેક રાષ્ટ્રપ્રમુખો, અનેક સરકારોના પ્રતિનિધિઓ, યુએનના વરિષ્ઠ અધિકારીઓ સિવાય અનેક ક્ષેત્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થશે.
ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે ભારતનો મત રહ્યો છે કે દરિયાઇ સુરક્ષા પર કોઇ પણ એક દેશ નિર્ણય કરી શકતો નથી જેના કારણે આ વિષય પર વ્યાપક રીતે ચર્ચા કરવા અને સહમતિ સાધવાની જરૂર છે. ભારત એ વાતના પક્ષમાં રહ્યો છે કે એક સહમતિથી બનાવવામાં આવેલી વૈશ્વિક નીતિ જ્યાં દરિયાઇ સુરક્ષાના મુદ્દા પર કાયદેસર ગતિવિધિઓને સંરક્ષણ આપશે. જ્યારે પારંપરિત અને બિન પારંપરીક ખતરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વ્યવસ્થાને મજબૂતાઇ મળશે.
દરિયાઇ સુરક્ષા પર વિશેષ બેઠકના બહાને ભારતનો પ્રયાસ સાગરની અવધારણાને આગળ વધારવાનો છે જેની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 2015થી કરતા આવ્યા છે. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિઝન એક એવી અવધારણા છે જેમા તમામની સુરક્ષા અને વિકાસના અવસર હોય. બેઠક અગાઉ જાહેર કરાયેલા નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ એવા ભારતીય વડાપ્રધાન હશે જેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કોઇ ચર્ચાની અધ્યક્ષતા કરતા જોવા મળશે. બેઠક ન્યૂયોર્કમાં ભારતીય સમયાનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.