PM મોદીએ વિપક્ષ સાથે વીડિયો કોન્ફરન્સથી કરી મીટિંગ, લોકડાઉન વધારવાનો આપ્યો સંકેત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી.આ મીટિંગમાં પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 5100થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 149 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 400 લોકો મુક્ત થઈ ગયા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી.
આ મીટિંગમાં પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, તેમની પાસે જેટલી સૂચના અને જરૂરી માહિતી આવી રહી છે તેના પરથી લોકડાઉન વધારવું જોઈએ તેમ લાગે છે. પીએમની બેઠકમાં કોંગ્રેસ સહિત લગભગ તમામ વિપક્ષોએ ભાગ લીધો હતો.
બેઠકમાં પીએમ મોદીએ સરકાર દ્વારા કોરોના સંકટ સામે લડવા લીધેલા પગલાની જાણકારી આપી હતી અને નેતાઓ પાસે અભિપ્રાય માંગ્યો હતો. બેઠકમાં કોંગ્રેસના ગુલાબ નબી આઝાદ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સંજય રાઉત, બીજેડીના પિનાકી મિશ્રા, એનસીપીના શરદ પવાર, સમાજવાદી પાર્ટીના રોમગોપાલ યાદવ, શિરોમણી અકાલી દળના સુખબીર સિંહ બાદલ, બીએસપીના સતીશ ચંદ્ર મિશ્રા, વાઈએસઆર કોંગ્રેસના વિજય સાઈ રેડ્ડી અને મિથુન રેડ્ડી, જેડીયુના રાજીવ સંજન સહિત અનેક નેતાઓએ હિસ્સો લીધો હતો.આ પહેલા પણ પીએમ મોદી કોરોના સામે લજવા અને લોકોને જાગૃત કરવા દેશના વિવિધ ક્ષેત્રના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી ચુકયા છે.





















