Rain: અહીં ફરી ભારે વરસાદ શરૂ, ભૂસ્ખલનથી ભેખડો ધસી, પહાડો તુટ્યા, અનેક રસ્તાંઓને કરવા પડ્યા બંધ
ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના હેમંતપુરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાને કારણે કેટલાક લોકો નીચાણવાળા વિસ્તારોમાં ફસાઈ ગયા હતા.
Rain in Uttarakhand: ફરી એકવાર દેશમાં વરસાદે કહેર મચાવવું શરૂ કરી દીધુ છે. હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં વરસાદે ફરીથી જોર પકડ્યુ છે, ઉત્તરાખંડમાં પણ આજે ભારે વરસાદથી ફરી એકવાર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં આફતની જેમ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પહાડી રાજ્યના એક યા બીજા વિસ્તારમાંથી ભૂસ્ખલનના સમાચાર આવી રહ્યા છે. દરમિયાન ઉધમસિંહનગરના કાશીપુરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. જેની માહિતી મળતાં જ SDRFની ટીમે લોકોને બચાવ્યા.
ખરેખરમાં, ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના હેમંતપુરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાને કારણે કેટલાક લોકો નીચાણવાળા વિસ્તારોમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતાં જ SDRF ઉત્તરાખંડ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ દરમિયાન મોડી રાત્રે પડેલા વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરોમાં ફસાયેલા 60 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ -
બીજીબાજુ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચમોલી જિલ્લામાં ભારે વરસાદ બાદ મૈથાના, નંદપ્રયાગ, છિંકા, બેલાકુચી અને પાગલનાલામાં ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી છે, અહીં ભૂસ્ખલનના કારણે ભેખડો ધસી છે અને પહાડો તુટ્યા છે, અને આ ભેખડો ધસવા કારણે બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ થઈ ગયો છે. જેના કારણે મુસાફરો અટવાઈ જવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ચમોલીમાં વરસાદ બાદ લાંબાગઢ નાળામાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
ભૂસ્ખલનના કારણે બંધ 244 નાના મોટા રસ્તાઓ -
અગાઉ, ચંબા પોલીસ સ્ટેશન પાસે ભૂસ્ખલનને કારણે બાળકો ભેખડો નીચે દટાયા હોવાની સંભાવના વચ્ચે SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં, એક અહેવાલ મુજબ, ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 244 નાના-મોટા રસ્તાઓ બંધ છે, તેને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હિમાચલ પ્રદેશમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગ (IMD) એ ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 12માંથી 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આઠ જિલ્લાઓમાં બિલાસપુર, હમીરપુર, કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમૌર અને ઉનાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં મંગળવારે પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે મંડીના કેટલાક વિસ્તારોમાંથી ભૂસ્ખલનના અહેવાલ છે. હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 23 અને 24 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરતા શિમલા શહેર માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. ભારે વરસાદ માટે 'રેડ' એલર્ટને ધ્યાનમાં રાખીને શિમલા જિલ્લામાં તમામ આંગણવાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 23 અને 24 ઓગસ્ટે બંધ રહેશે.
આ અઠવાડિયે વરસાદથી કોઈ રાહત નહીં મળે
હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂરની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા 26 ઓગસ્ટ સુધી વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ભૂસ્ખલન થઈ શકે છે, અચાનક પૂરથી નદીઓ અને નાળાના જળ સ્તરમાં વધારો થઈ શકે છે. જે ઉભા પાક, ફળ ઝાડ અને છોડને નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે.