SC કોલેજિયમની ભલામણમાં કેટલા જજના સગાસંબંધી, કેટલા SC-ST અને OBC?
9 નવેમ્બર, 2022થી 5 મે, 2025 દરમિયાન કોલેજિયમ દ્ધારા કરવામાં આવેલી ભલામણોની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે

સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત માહિતી જાહેર કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની સમગ્ર પ્રક્રિયા તેની વેબસાઇટ પર જાહેર કરી છે. તેનાથી પણ એક ડગલું આગળ વધીને સુપ્રીમ કોર્ટે છેલ્લા 3 વર્ષમાં હાઇકોર્ટમાં ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કોલેજિયમ દ્ધારા આપવામાં આવેલી મંજૂરીઓની વિગતો પણ જાહેર કરી છે.
કેટલા ન્યાયાધીશો વર્તમાન કે ભૂતપૂર્વ ન્યાયાધીશોના સંબંધીઓ છે?
કોર્ટે જણાવ્યું હતું કે કોલેજિયમની કુલ ભલામણોમાંથી કેટલી SC/ST/OBC/લઘુમતી કે મહિલાઓની છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાંથી કેટલા ન્યાયાધીશો વર્તમાન કે ભૂતપૂર્વ ન્યાયાધીશોના સંબંધીઓ છે. આ રીતે કોર્ટે ન્યાયાધીશોની નિમણૂકમાં ભેદભાવ અને સગાવાદ જેવા આરોપો પર પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે.
કુલ 221 ભલામણો કેન્દ્રને મોકલવામાં આવી હતી.
9 નવેમ્બર, 2022થી 5 મે, 2025 દરમિયાન કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણોની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ મુજબ, આ સમયગાળા દરમિયાન કોલેજિયમે વિવિધ હાઈકોર્ટમાં ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કેન્દ્ર સરકારને કુલ 221 ભલામણો મોકલી હતી.
ભલામણોમાં 34 મહિલા ન્યાયાધીશોના નામનો સમાવેશ
કેન્દ્રને સુપરત કરાયેલી ભલામણોમાં 8 અનુસૂચિત જાતિ (SC), 7 અનુસૂચિત જનજાતિ (ST), 33 OBC, 7 MBC/BC, 31 લઘુમતી અને 34 મહિલાઓનો સમાવેશ થાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે 221 ભલામણોમાંથી ફક્ત 14 નામ વર્તમાન કે ભૂતપૂર્વ ન્યાયાધીશના સંબંધીઓના હતા.
નોંધનીય છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એક પુરુષને પોતાની આઠ વર્ષની પુત્રીની વચગાળાની કસ્ટડી આપવાનો ઇનકાર કર્યો છે કારણ કે તે તેની સાથે રહેવા દરમિયાન એક દિવસ માટે પણ ઘરે રાંધેલું ભોજન દીકરીને આપવામાં નિષ્ફળ રહ્યો હતો. કોર્ટે બાળકના માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો છે.
આ કેસ કેરળ હાઈકોર્ટના આદેશ સાથે સંબંધિત હતો જેમાં માતાપિતાને દર મહિને 15-15 દિવસ બાળકીની સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચ - જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાએ બાળકી સાથે વાત કર્યા પછી અને તેની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી શોધી કાઢ્યું કે પિતા દ્વારા આપવામાં આવતું વાતાવરણ છોકરી માટે યોગ્ય નથી.
પિતા સિંગાપોરમાં રહેતા હતા
કોર્ટે કહ્યું કે પિતા ભલે પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તેમના ઘરનું વાતાવરણ અને સંજોગો છોકરી માટે યોગ્ય નથી. સિંગાપોરમાં કામ કરતા આ વ્યક્તિએ તિરુવનંતપુરમમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને દર મહિને તેની પુત્રી સાથે સમય વિતાવવા માટે ત્યાં આવતો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, જસ્ટિસ મહેતાએ ચુકાદામાં લખ્યું હતું કે "રેસ્ટોરન્ટ કે હોટલનું સતત ભોજન ખાવાથી પુખ્ત વયના લોકોના સ્વાસ્થ્ય માટે પણ નુકસાન થઈ શકે છે તો પછી આઠ વર્ષની છોકરીની વાત જ અલગ છે. છોકરીને તેના સમગ્ર કલ્યાણ અને વિકાસ માટે પૌષ્ટિક ઘરે બનાવેલા ખોરાકની જરૂર હોય છે, જે કમનસીબે પિતા આપી શકતા નથી."





















