ચૂંટણી પંચ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, CJI, PM અને લોકસભામાં વિપક્ષના નેતા કરશે ટોચની નિમણૂંકો
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે પીએમ, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતાની સમિતિ કરશે.
Supreme Court On Election Commission Appointment: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે પીએમ, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતાની સમિતિ કરશે.
સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે 5-0 સર્વસંમતિથી આપેલા નિર્ણયમાં જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી ત્રણ સભ્યોની સમિતિની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, જ્યાં સુધી સંસદ આ નિમણૂકો માટે કાયદો નહીં બનાવે ત્યાં સુધી આ નિયમ ચાલુ રહેશે.
કોર્ટે એમ પણ કહ્યું કે જો સમિતિમાં લોકસભામાં વિપક્ષનો કોઈ નેતા નથી તો સૌથી મોટા વિપક્ષી દળના નેતાને તેમાં સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય તે અરજીઓ પર આપ્યો છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માંગ કરવામાં આવી હતી.
SC's Constitution Bench orders panel consisting of Prime Minister, LOP, CJI for selecting Election Commissioners
Read @ANI Story | https://t.co/VjIqnMXrxX#SupremeCourt #ECI #ElectionCommission pic.twitter.com/aTZQHvmx4d — ANI Digital (@ani_digital) March 2, 2023
જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 24 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી વ્યવસ્થા હોવી જોઈએ તેવી માગણી કરવામાં આવી હતી.
કોલેજિયમ સિસ્ટમ જજોની નિમણૂક માટે છે. કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના જજ હોય છે, જેઓ જજોની નિમણૂક માટે કેન્દ્ર સરકારને નામ મોકલે છે. કેન્દ્રની મહોર બાદ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે.
પિટિશનર અનૂપ બરનવાલે ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં કોલેજિયમ જેવી સિસ્ટમની માગણી કરતી અરજી દાખલ કરી હતી. 23 ઓક્ટોબર 2018ના રોજ આ મામલો 5 જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો.
અરુણ ગોયલની નિમણૂક પર થયો હતો હંગામો
ગયા વર્ષે 19 નવેમ્બરે કેન્દ્ર સરકારે પંજાબ કેડરના IAS ઓફિસર અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. અરુણ ગોયલની નિમણૂકને લઈને વિવાદ થયો હતો કારણ કે તેઓ 31 ડિસેમ્બર 2022ના રોજ નિવૃત્ત થવાના હતા. તેમને 18 નવેમ્બરે VRS આપવામાં આવ્યું હતું અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેના પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ચૂંટણી કમિશનર તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તેઓ એક દિવસ પહેલા સુધી કેન્દ્ર સરકારમાં સચિવ સ્તરના અધિકારી હતા. અચાનક તેમને VRS આપવામાં આવે છે અને એક દિવસમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આના પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ નિમણૂકમાં કોઈ 'Hanky Panky' નથી.
કોર્ટે સવાલ ઉઠાવ્યો, અમે 18 નવેમ્બરે સુનાવણી શરૂ કરી હતી. જે દિવસે ફાઈલની પ્રક્રિયા થઈ, એ જ દિવસે ક્લિયરન્સ પણ મળી ગયું, એ જ દિવસે અરજી પણ આવી અને એ જ દિવસે એપોઈન્ટમેન્ટ પણ થઈ. 24 કલાક સુધી પણ ફાઈલ ખસેડાઈ ન હતી. વીજળીની ઝડપે ફાઈલો કેમ ક્લિયર થઈ? જો કે, આ તમામ પ્રશ્નો પર, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરામાણીએ કહ્યું હતું કે બધું 1991ના કાયદા હેઠળ થયું છે અને હાલમાં એવો કોઈ ટ્રિગર પોઈન્ટ નથી કે જ્યાં કોર્ટને હસ્તક્ષેપ કરવાની જરૂર હોય.