આ રાજ્યની સરકાર આંદોલનમાં મોતને ભેટેલા ખેડૂતોના પરિવારને આપશે આટલા લાખ રૂપિયાની મદદ
ચન્નીએ મોદી સરકાર પાસે રાજ્ય અને ખેડૂતોના સંઘર્ષ દરમિયાન થયેલા જાનમાલની નુકસાનના વળતર આપવાની પણ માંગ કરી છે.
હૈદરાબાદઃ કેન્દ્ર સરકાર દ્ધારા ત્રણ ખેડૂત કાયદાઓ પરત લેવાની જાહેરાત બાદ દેશમાં ખેડૂતો પર રાજનીતિ ઝડપી થઇ ગઇ છે. પંજાબ સરકાર દ્ધારા આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોને વળતર આપવાની જાહેરાત બાદ હવે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તમામ મૃતક ખેડૂતોના પરિવારને ત્રણ-ત્રણ લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
તેલંગણા સરકાર ખેડૂત કાયદાઓના વિરોધમાં એક વર્ષથી ચાલી રહેલા આંદોલનમાં માર્યા ગયેલા લગભગ 750 ખેડૂતોના પરિવારોને સહાય આપશે. સરકાર આ વળતર માટે 22 કરોડ રૂપિયાની ફાળવણી કરી રહી છે. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનમાં પોતાના લોકોને ગુમાવનારા તમામ ખેડૂત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય રકમ આપવાની માંગ કરી હતી.
આ સાથે જ તેમણે ખેડૂતો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસોને પાછા ખેંચવાની પણ માંગ કરી હતી. તેમણે વિજળી (સંશોધન) બિલને પણ પાછું ખેંચવાની અપીલ કરી હતી. કેસીઆર રવિવારે દિલ્હીમાં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકશે. નોંધનીય છે કે આ અગાઉ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આંદોલનમાં મોતને ભેટેલા ખેડૂતોના પરિવારને આર્થિક મદદની જાહેરાત કરી હતી.
ચન્નીએ મોદી સરકાર પાસે રાજ્ય અને ખેડૂતોના સંઘર્ષ દરમિયાન થયેલા જાનમાલની નુકસાનના વળતર આપવાની પણ માંગ કરી છે. ચન્નીએ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્યાં સુધી કાયદાઓને સંસદ મારફતે ખત્મ કરવામાં નહી આવે ત્યાં અમે સજાગ રહીશું.
તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોને વળતર આપવામાં આવી રહ્યું છે અને આવા પરિવારોમાંથી એક વ્યક્તિને સરકારની નોકરી આપવામાં આવશે. આંદોલનમાં માર્યા ગયેલા લોકોની યાદમાં સ્મૃતિ સ્મારકના નિર્માણની પણ તેમણે જાહેરાત કરી હતી.