જમ્મુ કાશ્મીરઃ સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના ત્રણ આતંકીઓ ઠાર
અથડામણમાં સુરક્ષાદળો દ્ધારા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી 2 એકે 47, 1એસએલઆર રાઇફલ અને અન્ય ચીજો જપ્ત કરી હતી
નવી દિલ્હીઃસુરક્ષાદળોએ શનિવારે સવારે પુલવામા ક્ષેત્રમાં ત્રાલના જંગલ વિસ્તારમાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યોને ઠાર મારવામાં મોટી સફળતા મળી છે. મૃતકોમાં જૈશ કમાન્ડર વકીલ શાહ પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વકીલ શાહ ભાજપ નેતા રાકેશ પંડિતાની હત્યા માટે જવાબદાર હતો.
ભાજપના વરિષ્ઠ નેતા અને નગર નિગમના અધ્યક્ષ રાકેશ પંડિતાની 2 જૂનના રોજ આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી. રાકેશ પંડિતા દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં એક મિત્રના ઘર પર જઇ રહ્યા હતા. આઇજીપી જમ્મુ કાશ્મીર, કાશ્મીર જોને વકીલ શાહના મોતની પુષ્ટી કરતા કહ્યું કે, અન્ય બે આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે.
શ્રીનગર સ્થિત 15મી કોરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સેનાના વિશેષ એકમ દ્ધારા 17 ઓગસ્ટથી 21મી નાગાબેરન અને દચ્ચીગામ જંગલોના ઉપરી વિસ્તારોમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસોના સર્ચ અભિયાન બાદ અંતે 20 ઓગસ્ટ 2021ના રોજ સવારે પોણા સાત વાગ્યે આતંકવાદીઓની શોધ કરી લેવામાં આવી અને બાદમાં એન્કાઉન્ટરમાં તેઓને ઠાર મારવામાં આવ્યા હતા.
અથડામણમાં સુરક્ષાદળો દ્ધારા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી 2 એકે 47, 1એસએલઆર રાઇફલ અને અન્ય ચીજો જપ્ત કરી હતી. નોંધનીય છે કે પુલવામા હુમલામાં સામેલ સૈફુલ્લાહ લંબાને પણ આ જ વિસ્તારમાં 31 જૂલાઇએ ઠાર મારવામાં આવ્યો હતો.
તાલિબાનનો કો-ફાઉન્ડર કાબુલ પહોંચ્યો
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અહીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. દેશ છોડવાના પ્રયાસમાં લોકો ભટકી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા છે. વાસ્તવમાં કાબુલમાં અફવા ફેલાઇ ગઇ છે કે અમેરિકા કાબુલ એરપોર્ટ પર લોકોને દેશ છોડવામાં મદદ કરી રહ્યું છે. આ અફવાને કારણે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ બહાર એકઠા થઇ રહ્યા છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે તાલિબાનોએ કાબુલ એરપોર્ટ પાસેથી લગભગ 150 લોકોને ઉઠાવી ગયા હતા જેમાં મોટાભાગના ભારતીયો સામેલ હતા. જોકે તાલિબાનોએ આ ઘટનાનો ઇનકાર કર્યો હતો.
એએફપીના રિપોર્ટ અનુસાર તાલિબાનનો કો-ફાઉન્ડર સરકાર બનાવવાને લઇને ચર્ચા કરવા કાબુલ પહોંચ્યો છે. મુલ્લા અબ્દુલ ગની બરદાર કાબુલમાં જેહાદી નેતાઓ અને રાજકારણીઓ સાથે મુલાકાત કરશે. તાજેતરમાં જ તાલિબાની નેતાઓએ હામિદ કરઝઇ, અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે વર્તમાન તાલિબાન અગાઉના તાલિબાન કરતા વધુ ઉદાર હશે.