Tripura Exit Poll : ત્રિપુરામાં ફરી મોદી મેજીક, વધુ એકવાર બની શકે છે ભાજપની સરકાર
ત્રિપુરાની તમામ 60 સીટો પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર રાજ્યમાં બીજેપી ફરી એકવાર વાપસી કરે તેવી શક્યતા છે.
Tripura Election Exit Polls 2023: 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભા માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. ત્રિપુરામાં એક તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 88 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થશે. મતદાન પૂરૂ થતા એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. એક્ઝિટ પોલમાં કોની સરકાર બનવા જઈ રહી છે તેનો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે.
ત્રિપુરાની તમામ 60 સીટો પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર રાજ્યમાં બીજેપી ફરી એકવાર વાપસી કરે તેવી શક્યતા છે. એક્ઝિટ પોલમાં ભાજપને 36-45 બેઠકો મળી રહી છે. જ્યારે ટીએમપીને 9-16 બેઠકો મળવાની ધારણા છે. લેફ્ટ+ને 6-11 સીટો મળી શકે છે. અન્ય 0 એટલે કે એકેય બેઠક નથી મળી દર્શાવાઈ.
ત્રિપુરામાં કોને કેટલા વોટ?
એક્ઝિટ પોલ અનુસાર ભાજપને ત્રિપુરામાં સૌથી વધુ 45 ટકા વોટ મળે તેવી શક્યતા છે. લેફ્ટ + કોંગ્રેસને 32 ટકા વોટ મળવાનો અંદાજ છે. ટીપ્રા મોથા+ને 20 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે અન્યને 3 ટકા મત મળવાનો અંદાજ છે.
2018માં બની હતી ભાજપની સરકાર
ત્રિપુરામાં 2018માં મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. અહીં ભાજપે 60માંથી 44 વિધાનસભા બેઠકો જીતીને ડાબેરી શાસનનો અંત આણ્યો હતો. જો કે, આ વર્ષે પાર્ટીને આદિવાસીઓનું સમર્થન ધરાવતા પ્રદ્યોત દેબબર્માની આગેવાની હેઠળના ટીપ્રા મોથાથી સખત લડાઈનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ચૂંટણીમાં ડાબેરીઓ અને કોંગ્રેસ પણ પહેલીવાર સાથે દેખાયા છે.
Tripura Polls 2023: આવતીકાલે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન, 259 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે મતદાન છે. રાજ્યની 60 વિધાનસભા બેઠકો માટે કુલ 259 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે સત્તામાં વાપસી માટે તમામ તાકાત લગાવી દીધી છે, પરંતુ બદલાયેલા સમીકરણમાં ભાજપ માટે આ રાહ મુશ્કેલ છે. રાજ્યમાં ડાબેરી મોરચા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ત્રિપુરાના રાજવંશના વારસદાર પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબબર્મનની નવી પાર્ટી તિપરા મોથા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં છે. આ રીતે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનથી લઈને તિપરા મોથા અને ટીએમસીએ ભાજપ સામે પડકાર ઉભો કર્યો છે.
કયા પક્ષના કેટલા ઉમેદવારો?
ત્રિપુરામાં કુલ 60 વિધાનસભા બેઠકો માટે 259 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે IPFT સાથે મળીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપે 55 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે IPFT 5 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ-ડાબેરીઓમાં બેઠકો અંગેની સમજૂતી હેઠળ, ડાબેરી મોરચો 43 બેઠકો પર અને કોંગ્રેસ 13 બેઠકો પર ચૂંટણી લડે છે, જ્યારે એક બેઠક પર અપક્ષને સમર્થન આપે છે. પ્રદ્યોત બિક્રમની નવી પાર્ટી તિપરા મોથાએ 42 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી માત્ર 28 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય 58 ઉમેદવારો અપક્ષ છે અને કેટલાક અન્ય પક્ષોમાંથી પણ મેદાનમાં છે.