Uniform Civil Code: યુનિફોર્મ સિવિલ કોડને લઈ મોદી સરકાર એક્શન મોડમાં
મોદી સરકાર તેના ચૂંટણી ઢંઢેરામાં કરેલા વધુ એક વાયદાને પુરો કરવાની દિશામાં આગળ વધી રહી હોવાના સંકેત મળી રહ્યાં છે.
Law Commission : મોદી સરકાર તેના ચૂંટણી ઢંઢેરામાં કરેલા વધુ એક વાયદાને પુરો કરવાની દિશામાં આગળ વધી રહી હોવાના સંકેત મળી રહ્યાં છે. કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ પર નવી પરામર્શ પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે જાહેર અને ધાર્મિક સંસ્થાઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે.કમિશને બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે 22મા કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ અંગે માન્યતાપ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓના મંતવ્યો જાણવાનો નિર્ણય કર્યો છે. રસ ધરાવતા અને ઈચ્છુક લોકો પોતાનો અભિપ્રાય આપી શકે છે. આયોગે મંતવ્યો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે.
કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીના નેતૃત્વ હેઠળના 22મા કાયદા પંચે રસ ધરાવતા લોકોને 30 દિવસની અંદર તેમની વેબસાઈટ અથવા ઈમેલ પર તેમના મંતવ્યો સબમિટ કરવા જણાવ્યું છે. અગાઉ 21મા કાયદા પંચે પણ આ વિષયનો અભ્યાસ કર્યો હતો. ત્યારે પંચે આ અંગે વધુ ચર્ચા કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ વાતને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે આ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવી રહી છે.
યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ તમામ નાગરિકો માટે ધર્મને ધ્યાનમાં લીધા વિના લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસો અને ઉત્તરાધિકાર જેવી અંગત બાબતોને સંચાલિત કરતા કાયદાઓનો એક સામાન્ય સમૂહ બનાવવાનો છે. હાલમાં, વિવિધ કાયદાઓ વિવિધ ધર્મોના અનુયાયીઓ માટે આ પાસાઓનું નિયમન કરે છે.
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય પાકી ગયો છે : રાજનાથ સિંહ
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં યુનિફોર્મ સિવિલ કોડ એક્ટ સહિત અનેક મુદ્દે વિગતે વાતચીત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે, દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય હવે પાકી ગયો છે. તમામ રાજ્યોએ આ અંગે વિચારવું જોઈએ. જે રાજ્યો તેનો અમલ કરી રહ્યા છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. રાજનાથ સિંહે દિલ્હીના બહુચર્ચિત શ્રદ્ધા હત્યા કેસને લઈને પણ પ્રતિક્રિયા આપતા તેને જઘન્ય અપરાધ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુનેગારને આકરામાં આકરી સજા થવી જોઈએ.
ગુજરાત ચૂંટણીની ચૂંટણીને લઈને તેમણે કહ્યું હતું કે, 2024નો માહોલ અત્યારથી જ બની ગયો છે. ગુજરાતમાં જ નહીં કેન્દ્રમાં પણ ફરી મોદી સરકાર આવશે. અમે ગુજરાત જીતી રહ્યા છીએ અને પરફોર્મન્સ તેનો આધાર છે. વડાપ્રધાન દેશભરમાં ફરે છે. સખત મહેનત કરે છે. તેની જ અસર છે કે, દેશનું પરફોર્મન્સ સતત સુધરી રહ્યું છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ પ્રવાસ શરૂ કર્યો છે તો જુઓ શું થાય છે.