મોદીએ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેચવાની જાહેરાત કરતી વખતે ખેડૂતોની કેમ માંગી માફી ? જાણો શું કહ્યું ?
મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે, હું દેશનાં લોકોને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
મોદીએ દેશનાં ખેડૂતોની માફી પણ માગતાં કહ્યું કે, હું દેશના ખેડૂતોની માફી પણ માગું છું. અમે કૃષિ કાયદા દ્વારા દેશના ખેડૂતોના ભલા માટે જે કંઈ કરવા માંગતા હતા તે ના કરી શક્યા એ બદલ હું માફી માગું છું. મોદીએ કહ્યું કે, આ ત્રણેય કૃષિ કાયદા નાના ખેડૂતોના ભલા માટે જ લવાયા હતા. નાન ખેડૂતોને વધારે વિકલ્પો મળે અને તેમના પાકના સારા ભાવ મળે તે માટે આ કૃષિ કાયદા લવાયા હતા. દેશના મોટા ભાગના ખેડૂતો તથા કિસાન સંગઠનોએ કૃષિ કાયદાને આવકાર્યા હતા પણ અમે કેટલાક ખેડૂતોને સહમત ના કરી શક્યા. ખેડૂતોને કૃષિ કાયદાને લગતી તમામ બાબતોને સમજાવવા માટે અમે પૂરતા અને શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા. અમે તેમની સાથે વાત કરી, તેમની સાથે ચર્ચા કરી. સરકાર આ કાયદાઓ પર ફરીથી કામ કરવા પણ તૈયાર હતી પણ છતાં તેમને મનાવી ના શક્યા એ બદલ હું માફી માગું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 9 વાગ્યે સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી.. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, મેં ખેડૂતોના પડકારોને અત્યંત ઝીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે.
વડાપ્રધાને કહ્યું, મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે અને જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. અમે ખેડૂતોના કલ્યાણ માટે બહુ કામો કર્યાં છે. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે અને તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.
મોદી આજે ઉત્તરપ્રદેશના મહોબા અને ઝાંસી જશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરીને તેમના સંબોધન વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે મોદીના કાર્યક્રમની વિગતો પણ આપવામાં આવી હતી.