Kadi By-Polls: કડીમાં કોંગ્રેસનો ઝંઝાવતી પ્રચાર, બળદેવજી ઠાકોરે ભાજપ અને ઠાકોર નેતાઓ પર કર્યા પ્રહારો
Kadi By-Polls News: કડીના બોરીસણા ગામમાં આજે કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે એક જંગી સભાને સંબોધી હતી, આ દરમિયાન તેમને ભાજપની સાથે સાથે ભાજપના ઠાકોર નેતાઓને પણ ઝાટક્યા હતા

Kadi By-Polls News: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, બે વિધાનસભા કડી અને વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપના સીનિયર નેતાઓ કેમ્પેઇન અને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતર્યા છે. કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જીતવા ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ પુરજોશમાં પ્રચાર કરી રહી છે, આજે કોંગ્રેસના સીનિયર નેતા બળદેવજી ઠાકોરે કડીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
બળદેવજી ઠાકોરે ભાજપના ઠાકોર નેતાઓ પર આકારા પ્રહારો કરીને માહોલ ગરમ કરી દીધો, તેમને કહ્યું કે, ઠાકોર સમાજના પ્રશ્નોની રજૂઆત કરવાની આવે છે, ત્યારે ઠાકોર નેતાઓ ક્યાં ખોવાઇ જાય છે, ભાજપ ઠાકોર સમાજના અંગુઠા છાપને ધારાસભ્યો બનાવે છે. બળદેવજી ઠાકોરે આજે કડીના બોરીસણા ગામમાં પ્રચાર કર્યો અને સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 19 જૂને ગુજરાતમાં આ બન્ને વિધાનસભામાં મતદાન યોજાશે.
કડીના બોરીસણા ગામમાં આજે કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે એક જંગી સભાને સંબોધી હતી, આ દરમિયાન તેમને ભાજપની સાથે સાથે ભાજપના ઠાકોર નેતાઓને પણ ઝાટક્યા હતા. ભાજપના ઠાકોર સમાજના ધારાસભ્યો પર બળદેવજી ઠાકોરે પ્રહારો કરતાં કહ્યું કે, લવિંગજી, સુખાજી ઠાકોર મત માટે કડી વિધાનસભા વિસ્તારમાં તમારી પાસે આવ્યા છે, પરંતુ જ્યારે ઠાકોર સમાજના પ્રશ્નોની રજૂઆત કરવાની હતી તે સમયે ક્યાં ગયા હતા આ ઠાકોર સમાજના ધારાસભ્યો. આ ઠાકોર નેતાઓ GPSCમાં અન્યાય થયો ત્યારે ક્યાં ગયા હતા?, હવે ચૂંટણીમાં અત્યારે ઠાકોર સમાજના મત જોઈએ છે એટલે અહી આવી ગયા છે, ભાજપ અંગુઠા છાપને ઠાકોર સમાજના ધારાસભ્યો બનાવે છે. નાચવાથી રાજકારણ ના થાય, સમાજના કામ નાચવાથી ના થાય. બળદેવજી ઠાકોરે કડી પેટાચૂંટણીમાં આજે બોરીસણા ગામમાં પ્રચાર દરમિયાન ભાજપ પરઆકરા પ્રહારો કર્યા હતા.
આ પહેલા કોંગ્રેસ સાંસદ ગેનીબહેને ભાજપ પર કર્યા હતા પ્રહારો
સાંસદ ગેનીબહેન કડી બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરવા માટે રાજપુર પ્રચાર સભામાં ભાગ લીધો હતો. રાજપુર ખાતે યોજાયેલી પ્રચાર સભામાં ગેનીબહેને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, તમારા ગામમાં આવી છું અને તમે મને સાડી ઓઢાડી છે તો તેનું માન રાખજો. એવામાં જો ચૂંટણી જીતવા માટે ભાજપવાળાઓ નાની-મોટી લોભ-લાલચ આપે કે, પૈસા આપે તો લઈ લેજો. કારણ કે, એમણે કંઈ મજૂરી કરીને ભેગા કરેલા પૈસા નથી. ભાજપ પૈસા આપે એ લઈ લેજો, વાપરવા હોય તો વાપરજો અને ન વાપરવા હોય તો રમેશભાઈના કામમાં વાપરજો પણ છેલ્લે વોટ કોંગ્રેસને આપજો.'
કોંગ્રેસમાંથી રમેશ ચાવડા ચૂંટણી મેદાનમાં
નોંધનીય છે કે, કોંગ્રેસે કડી વિધાનસભા બેઠક પરથી રમેશ ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. રમેશ ચાવડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશ ચાવડા વર્ષ 2012માં ચૂંટણીમાં હિતુ કનોડિયાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 2017માં ચૂંટણી વખતે રમેશ ચાવડા ભાજપના કરસન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા.
કડી વિધાનસભાની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.





















