ગોંડલ વિવાદમાં અલ્પેશ કથીરિયાનો ધડાકો: 'બે નંબરના ધંધાના પુરાવા લાવીશું, કોલર પકડ્યા તો ખેર નથી!'
ગોંડલ વિવાદ વકર્યો: અલ્પેશ કથીરિયાનો સત્તાધીશો પર 'બે નંબરના ધંધા'નો ગંભીર આક્ષેપ, 'પુરાવા સાથે આવીશું, કાર્યકર્તાનો કોલર પણ પકડી નહિ શકો તેવી તૈયારી'.

Ganesh Gondal vs Alpesh Kathiria: રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ચાલી રહેલો પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેનો વિવાદ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો વકર્યો છે. સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ ગોંડલના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આગામી દિવસોમાં પુરાવા સાથે સામે આવવાની તથા મજબૂત તૈયારી સાથે ગોંડલ જવાની ચીમકી ઉચ્ચારી હતી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથીરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલ્પેશ કથીરિયાનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ફરી એકવાર ગોંડલની પરિસ્થિતિ અને ત્યાંના સત્તાધીશો અંગે ચર્ચા કરી હતી. જાહેર મંચ પરથી તેમણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા અગાઉ જે પ્રકારે અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો, તેનો જવાબ અલ્પેશ કથીરિયાએ આ મંચ પરથી આપ્યો હતો.
અલ્પેશ કથીરિયાના ગંભીર આક્ષેપો અને ચીમકી
અલ્પેશ કથીરિયાએ જાહેર મંચથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે 'માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે'. તેમણે સ્પષ્ટ કર્યું કે ગોંડલમાં તેઓ મજા આવશે ત્યારે ફરવા જશે. અગાઉ જ્યારે તેઓ ગોંડલ ગયા હતા ત્યારે તેમની ગાડીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું. તેનો ઉલ્લેખ કરતાં કથીરિયાએ ચીમકી ઉચ્ચારી હતી કે હવે જ્યારે તેઓ ગોંડલ જશે ત્યારે તેમની તૈયારી એવી હશે કે "હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે."
અલ્પેશ કથીરિયાએ ગોંડલના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે "ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા બે નંબરના ધંધા કરે છે, એના તમામ પુરાવા અમે લોકોને આપીશું." તેમણે સીધા આક્ષેપો કરતાં પૂછ્યું હતું કે "ક્યાં ગેમ્બલિંગ કરે છે? કોના ફાર્મહાઉસમાં બાયોડીઝલનો ધંધો ચાલે છે? જીએસટીનાં ખોટાં બિલો બનાવીને ખોટા ઇનવોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યાં છે?" તેમણે દાવો કર્યો કે આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને "અમે તમામના પુરાવા આપીશું."
તેમણે ગોંડલને કોઈની 'જાગીર' ન સમજવાની પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે "કોઈને ખેતર ખેડવા આપ્યું હોય તો ખેડવું જોઈએ અને પાક લેવો જોઈએ, પરંતુ એનો માલિક સમજી બેસે એ ન ચાલે. રાજા-રજવાડાઓએ બધું ૧૯૪૯માં મૂકી દીધું છે, હવે અહીં કોઈની જાગીર નથી અને કોઈ પોતાની જાગીર સમજતા હોય તો તેમણે જાણી લેવું જોઈએ કે અનેક લોકો તેને પડકારવા માટે સામે આવશે." તેમણે ઉમેર્યું કે હવે તેઓ શનિ-રવિ અને રજાના દિવસોમાં મજા આવે ત્યારે ગોંડલ જશે.
અગાઉના અનુભવ વિશે તેમણે કહ્યું કે પહેલી વખત ગયા ત્યારે તેઓ કોઈપણ ઘર્ષણ કર્યા વગર માત્ર ગોંડલની સ્થિતિ જાણવા માટે ગયા હતા. ત્યાં કથિત રીતે લુખ્ખી ટોળકીઓ અને ભાડૂઆતની જમાતનો ઉપયોગ કરીને તેમની ગાડીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત (૨૨૫ જેટલા પોલીસકર્મી) હોવા છતાં પણ તમામ લોકોએ જોયુ છે કે ત્યાં કયા પ્રકારની ગુંડાગીરી થઈ હતી. પોલીસની સામે આવું થઈ શકતું હોય તો નાના માણસોને આ લોકો ક્યાં સ્તરે જઈને હેરાન કરતા હશે, તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.




















