રાજકોટમાં આંબેડકર જયંતિની રેલીમાં કાયદાના ધજાગરા, યુવાનો છરા સાથે ફરતા રહ્યા, પોલીસ બની મૂક પ્રેક્ષક
રેસકોર્સ રોડ પર ટ્રાફિક જામ, યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

Ambedkar Jayanti Rajkot: આજે રાજકોટમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી રેલીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હતા. રેલીમાં અનુસૂચિત જાતિના કેટલાક યુવાનો ખુલ્લેઆમ છરા સાથે જોવા મળ્યા હતા, જ્યારે અનેક જગ્યાએ યુવાનોએ જોખમી બાઇક સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
શહેરના રેસકોર્ષ રોડને યુવાનોએ જાણે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે જ્યારે બાઇક રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. કેટલાક વિડીયોમાં યુવાનો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત, કેટલાક યુવકો પોતાની બાઇકના સાઇલેન્સરથી જોરદાર અવાજ કાઢી રહ્યા હતા, જેનો પોલીસે વિરોધ કરતા મામલો વધુ બિચક્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
રેલી દરમિયાન રેસકોર્ષ રિંગ રોડ પર અનુસૂચિત જાતિના લોકોએ હોબાળો પણ કર્યો હતો. ત્યારબાદ યુવાનો પોલીસ કમિશનર કચેરી બહાર જિલ્લા પંચાયત ચોકમાં એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે યુવાનો સાથે સમજાવટ કરીને મામલો શાંત પાડ્યો હતો. આ ઘટનાને પગલે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો ઉભા થયા છે.
નોંધનીય છે કે, ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે આજે સમગ્ર દેશમાં તેઓને ભાવભીનો અંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે સાણંદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૪મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે સાણંદમાં રાજ્યની સૌથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં "બાબાસાહેબ અમર રહો" ના ગગનભેદી સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા. સાણંદમાં પ્રથમવાર "ભીમોત્સવ" ની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત હાથીની અંબાણી પર બાબા સાહેબની પ્રતિમા અને ભારતીય સંવિધાન સાથે શહેરમાં એક વિશાળ મહારેલીનું આયોજન કરાયું હતું.
આ રેલીમાં ૬૮ ગામો તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી અંદાજે ૮ હજાર લોકો જોડાયા હતા, અને આ રેલીની લંબાઈ આશરે ૭ કિલોમીટર જેટલી હતી. આ ભવ્ય રેલીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર આયુ. ભીમરાવ યશવંતરાવ આંબેડકર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલી બાદ એક વિશાળ જગ્યામાં ભવ્ય ભીમ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સાણંદ પંથકમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.





















