ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: અનેક જગ્યાએ સર્જાયેલી દુર્ઘટનાઓમાં 3 લોકોના મોત, અનેક ઘાયલ
પંચમહાલ, રાજકોટ, ચાણસ્મા સહિત વિવિધ સ્થળોએ અકસ્માતો, કેટલાક ચમત્કારિક બચાવ પણ નોંધાયા.

Gujarat road accidents: રાજ્યમાં આજે અલગ અલગ સ્થળોએ અકસ્માતોની એક હારમાળા સર્જાઈ છે. પંચમહાલ, રાજકોટ, ચાણસ્મા, ભચાઉ, અમરેલી અને અમદાવાદમાં થયેલા વિવિધ અકસ્માતોમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાઓએ રાજ્યભરમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે.
પંચમહાલના ઘોઘંબા તાલુકાના રવેરી પરોલી માર્ગ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી બે બાઇકો સામસામે અથડાતાં બાઇક પર સવાર એક યુવતી અને બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
રાજકોટના ધોરાજીમાં સ્ટેશન રોડ પર એક દુઃખદ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. ગેલેક્સી ચોકથી સ્ટેશન રોડ તરફ બાઇક લઈને જઈ રહેલો 30 વર્ષીય બસીર ઉર્ફે બકાલી શિકારી નામના યુવકનું બાઇક સ્લીપ થતાં તે ડિવાઈડર સાથે અથડાયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
ચાણસ્મા તાલુકામાં કારોડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક ટેલર અને બાઇક વચ્ચે અથડામણ થતાં બાઇક પર સવાર એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ બાળકીને 108 ઇમર્જન્સી દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.
ભચાઉ ઓવરબ્રિજ નજીક લોખંડનો ભારે સામાન ભરેલું એક ટ્રેલર પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભચાઉમાં બેફામ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે.
અમરેલીના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના પુલ પર એક અલ્ટીકા કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો. સતાધારથી મહુવા તરફ જઈ રહેલી આ કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. કાર પુલના ડિવાઈડરની એંગલ સાથે અથડાઈને આરપાર નીકળી ગઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે કારમાં સવાર એક મહિલા સહિત પાંચેય લોકોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાંથી લોકોને બહાર કાઢ્યા હતા અને કોઈને પણ કોઈ પ્રકારની ઈજા પહોંચી ન હતી.
અમદાવાદ શહેરમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. દાણીલીમડા વિસ્તારમાં નશાની હાલતમાં એક 27 વર્ષીય યુવક ધવલરાજે પોતાની કાર ડિવાઈડર સાથે અથડાવી હતી, જેના કારણે ડિવાઈડર સાથે જોડાયેલી માતાજીની દેરી તૂટી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આમ, રાજ્યના વિવિધ ભાગોમાં આજે થયેલા આ અકસ્માતોએ માર્ગ સલામતીના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. પોલીસે તમામ ઘટનાઓની તપાસ હાથ ધરી છે.




















