(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રાજકોટમાં ફરાળી વાનગીઓમાં ભેળસેળ, આરોગ્ય વિભાગના દરોડામાં જાણો શું થયો ખુલાસો ?
જય સીયારામ ડેરી, ખુશ્બુ ગાંઠિયા, ભગવતી ફરસાણમાંથી 178 કિલો પેટીસનો નાશ કરાયો છે. લોટ સહિતની ચીજ વસ્તુમાં પણ ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા નમૂના લઈ નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ: રાજકોટમાં શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરાળી વાનગીઓમાં વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદના પગલે આરોગ્ય વિભાગની ટીમે અલગ-અલગ પાંચ ડેરીઓમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં ફરાળી પેટીસમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.
જય સીયારામ ડેરી, ખુશ્બુ ગાંઠિયા, ભગવતી ફરસાણમાંથી 178 કિલો પેટીસનો નાશ કરાયો છે. લોટ સહિતની ચીજ વસ્તુમાં પણ ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા નમૂના લઈ નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ શહેરમાં અવાર-નવાર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન અનેક દુકાનો અને ડેરીઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવે છે.
માધાપર ચોકડીએ બેફામ કારે અકસ્માત કર્યો
રાજકોટમાં બેફામ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જાવાની બે ઘટના બની હતી. માધાપર ચોકડી નજીક ભારત સરકાર લખેલી ઇન્કમટેકસની ઈનોવા કારના ડ્રાઇવરે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કારને મોટાપાયે નુકસાન થયું હતું. કાર અને ટુ વ્હીલરને ઉડાવ્યા બાદ કાર સાઇડમાં ધકેલાઇ ગઇ હતી અને કારની આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારનો ચાલક ચિકકાર દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટના માધાપર ચોકડી નજીક બપોરે આ અકસ્માતની ઘટના બની હતી. GJ 18-BT-4183 નંબરની ઇનોવા કારના ચાલકે બેફામ ઝડપે એક ટુ વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ રસ્તા પરથી નીચે ઉતરીને રોંગસાઇડમાં કાર અને કેબીન સાથે અથડાઇ હતી. આ અકસ્માતના પગલે માધાપર ચોકડી નજીક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આ અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કાર ચાલક દારૂના નશામાં હોવાનું જણાવ્યું છે. અકસ્માત સર્જનાર કારમાં ભારત સરકાર લખેલું હતું ઉપરાંત સહાયક ઇન્કમટેકસ કમિશનરનું બોર્ડ પણ મળી આવ્યું હતું. આ બનાવ અંગે સ્કુટર ચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.