Rajkot Rain: ઉપલેટાના ઢાંકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો ધોવાયા
રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે ઉપલેટામાં પણ વરસાદે તારાજી સર્જાઈ છે.
રાજકોટ: રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે ઉપલેટામાં પણ વરસાદે તારાજી સર્જાઈ છે. ઢાંક ગામે 10 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો ધોવાયા હતા. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું છે. કેશ્વર નેસ પાસેના તળાવનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. અનેક રજૂઆત છતા કોઈ કામગીરી ન કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે.
ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉપલેટા શહેરમાં સવારથી ઝરમર વરસાદ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારે 9 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીમાં 1.5 ઈંચ (40 mm) વરસાદ પડી ગયો છે જ્યારે મોસમનો કુલ વરસાદ 21 ઈંચ (521 mm) વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના શાક માર્કેટ, જીરાપા પ્લોટ, ભાદર ચોક, કટલેરી બજાર, જીકરીયા ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોના રસ્તાઓમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની થઈ હતી.
ગ્રામ્ય પંથકમાં હાડફોડી, ચીખલીયા, કાથરોટા, ડુમિયાણી, વરજાંગ જાળીયા, સમઢીયાળા, તલંગણા, લાઠ, કોલકી, ભાયાવદર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ધોરાજીના છત્રાસામાં ધોધમાર વરસાદ
રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. છત્રાસાથી માણાવદર બાટવા તરફ જવાના કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળા પણ છલકાયા છે.
સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 57.10 ટકા તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 40.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.09 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
NDRFની 10 ટીમો તૈનાત
અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે 16 જળાશયો ભરાયા છે.