Rajkot Rain: રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ, લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની માહોલ છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે.
રાજકોટ : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની માહોલ છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. જોરદાર પવન સાથે ખીરસરામાં વરસાદ પડ્યો છે. લોધીકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી જ વરસાદની માહોલ છે. કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. દ્વારકા જિલ્લામાં ખેતીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં પણ જોરદાર પવન સાથે અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ભારે પવન સાથે વરસાદ
બિપરજોય વાવાઝોડાની અસરને લઈ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જામકંડોરણામા ભારે પવન ફૂંકાતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. ધોરાજી, જામકંડોરણા વચ્ચે ભારે પવન ફૂંકાતા રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થતા જામકંડોરણા પોલીસ કર્મીઓએ વૃક્ષો કાપી રસ્તો ફરી ચાલુ કરાવ્યો હતો. પોલીસ કર્મચારીઓની સરાહનીય કામગીરી જોવા મળી છે.
જેતપુરમાં વરસાદી માહોલ
બિપોરજોય વાવાઝોડાની અસર જેતપુરમાં જોવા મળી છે. જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેતપુર શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેતપુરના ચાપરાજપુર રોડ, રબારીકા રોડ સહિતના મુખ્ય માર્ગો પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો સાથે અનેક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા છે. શહેર તેમજ તાલુકામાં વીજ પુરવઠો ગુલ થયો હતો. વૃક્ષો પડતાં મોટી જાનહાની ટળી છે. નગરપાલિકા તંત્ર, વન વિભાગ સહિતની ટીમો વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી છે.
ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે. આ ઉપરાંત ગાજ- વીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર ,ખેડા,આણંદ,સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી,દિવમાં વરસાદની આગાહી છે.અહીં પવન ગતિ 40 કિલો મીટર પ્રતિકલાક રહેશે. જ્યારે અરવલ્લી , દાહોદ, વડોદરા,ભરૂચ , સુરત, નર્મદા, મહીસાગર, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ , દમણ દાદારનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.