Rajkot: રાજકોટવાસીઓ મીઠાઈ ખાતા પહેલા ચેતજો, 5 ટન અખાદ્ય મીઠા માવાનો જથ્થો ઝડપાયો
રાજકોટમાં રહેતા લોકો મીઠાઈ ખાતા પહેલા વિચાર કરજો. કારણ કે રાજકોટ-મોરબી રોડ પર આવેલા ડેરીના ગોડાઉનમાંથી અખાદ્ય માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
રાજકોટ: રાજકોટમાં રહેતા લોકો મીઠાઈ ખાતા પહેલા વિચાર કરજો. કારણ કે રાજકોટ-મોરબી રોડ પર આવેલા ડેરીના ગોડાઉનમાંથી અખાદ્ય માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 5 ટન જેટલો અખાદ્ય મીઠા માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મીઠા માવાનો ઉપયોગ મીઠાઇના બેઝ માટે વપરાય છે. મીઠા માવાથી અલગ-અલગ પ્રકારની મીઠાઇ તૈયાર કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા નવરાત્રિ અને દિવાળી પહેલા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અખાદ્ય મીઠાઇનો જથ્થો દૂધ અને ખાંડથી બનતો હોય છે. નકલી માવો વેજીટેબલ ઓઇલ, મિલ્ક પાવડરનો ઉપયોગ કરતા હતા. આ પ્રકારના માવાના વપરાશથી પેટના રોગ,ફૂડ પોઇઝનીંગ અને હ્રદયરોગ થઇ શકે છે. ગોડાઉનના માલિક અશોકભાઈ પરસોતમભાઈ સંખારા છે. અશોકભાઈનું ગોડાઉન ભાડે રાખીને કમલેશભાઈ ભારાણી માવાનું ઉત્પાદન કરતા હતા. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા માવાના જથ્થાનો નાશ કરવામાં આવશે.
રાજકોટના મોરબી રોડ પર આવેલા રાજલક્ષ્મી એવન્યુ રોડ પર રેલવે ફાટક નજીક સીતારામ ડેરીનાં ગોડાઉનમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો હોવાની માહિતી મળતા રાજકોટ મનપા ફૂડ વિભાગની ટીમો અહીં ત્રાટકી. .તપાસ દરમિયાન કુલ 4.5 ટન એટલે કે 4,500 કિલો અખાદ્ય મીઠો માવો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થયેલો જોવા મળ્યો હતો. મનપા દ્વારા આ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે.
આ પ્રકારના માવાની મીઠાઈઓ ખાવાથી ફૂડ પોઇઝનિંગની શક્યતા
મનપાના આરોગ્ય અધિકારી હાર્દિક મહેતાના જણાવ્યા મુજબ માવાનાં જથ્થા ઉપર ફૂગ જોવા મળી હતી. આ સાથે જ કેટલોક માવાનો જથ્થો પેક કરવામાં આવ્યો હતો. પરંતુ તેના ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપયારી ડેટની કોઈ જરૂરી વિગતો લખવામાં આવી નથી. પેકેટ ખોલીને જોતા આ જથ્થો અખાદ્ય હોવાનું અમારી જાણમાં આવ્યું હતું. ફેક્ટરીમાંથી માવામાં વેજીટેબલ ઓઇલ, મિલ્ક પાવડરનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકારના માવાની મીઠાઈઓ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાની તેમજ વિવિધ પેટના રોગો થવાની શક્યતા હોય તહેવારમાં આ પ્રકારાના માવામાંથી મીઠાઈ બનાવીને વેચાય તે પહેલાં અખાદ્ય માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડેરીનાં માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.