સી.કે. નાયડુ ટુર્નામેન્ટમાંથી પરત ફરી રહેલ સૌરાષ્ટ્રનાં ક્રિકેટરો પાસેથી મળ્યો દારુ, તપાસનાં આદેશ
જો સમાચારમાં તથ્ય નહોતુ તો પણ તેની સ્પષ્ટતા કરવી જરૂરી હતી અને જો સમાચાર સાચા હતા તો તે મુદ્દે કાર્યવાહી કરવી જરૂરી હતી.
Rajkot News: ક્રિકેટરોના કથિત દારૂકાંડ મુદ્દે હવે જાગ્યુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન. સી.કે.નાયડુ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી પરત ફરી રહેલ સૌરાષ્ટ્રની અન્ડર 23ની ટીમના પાંચ ખેલાડીઓની ક્રિકેટ કિટમાંથી દારૂ મળ્યાના અહેવાલો અને ચંદીગઢ એયરપોર્ટ પર થયેલા એ કાંડના સમાચાર પ્રસારિત થયા બાદ હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના કર્તાધર્તાઓને હવે પ્રતિક્રિયા અને સ્પષ્ટતા કરવાનો સમયમળ્યો છે.
અહેવાલો પ્રસારિત કરતા પહેલા સ્પષ્ટતા અને પ્રતિક્રિયા લેવાના માધ્યમોના પ્રયાસો પર પૂર્ણતઃ રીતે મૌન રહેનાર અને પ્રતિક્રિયા આપવાથી દુર ભાગનાર ક્રિકેટ એસોસિએશનના હિમાંશુ શાહને હવે સમય મળ્યો છે. રેકોર્ડેડ બાઈટ થકી આ ઘટનાને કથિત ગણાવી તપાસ કરવાની વાર્તા કરનાર શ્રીમાન હિમાંશુ શાહને હવે આવી ઘટનાથી દુઃખ થવા લાગ્યું છે.
જો સમાચારમાં તથ્ય નહોતુ તો પણ તેની સ્પષ્ટતા કરવી જરૂરી હતી અને જો સમાચાર સાચા હતા તો તે મુદ્દે કાર્યવાહી કરવી જરૂરી હતી. આ તમામથી વિપરીત હિમાંશુ શાહ ગઈકાલે મીડિયાકર્મીઓના ફોનથી દુર ભાગતા રહ્યા છે. સાથે જ આ ક્રિકેટ એસોસિએશનના હામી ગણાતા નિરંજન શાહ પણ આ મુદ્દે મૌન રહ્યા છે.
જો કે હવે હિમાંશુ શાહને પ્રતિક્રિયા મોકલવાનો સમય મળ્યો છે. ત્યારે સવાલ એ છે કે જો ક્રિકેટરો દારૂ લાવતા હતા. તો તે મંગાવ્યો હતો કોણે? અને જો આવો જો કોઈ કાંડ થયો જ નહોતો તે સમાચાર કોણે વહેતા કર્યા. સવાલ તો એ પણ છે કે શું સૌરાષ્ટ્ર ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ગુજરાત સરકારના કોઈ નિયમો લાગુ પડતા નથી અને જો ક્રિકેટરોએ દારૂ લાવવાનો પ્રયાસ કર્યો હોય તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પોતાના ક્રિકેટરોને ગુજરાતના નિયમોના પાલનના સંસ્કાર નથી આપ્યા.
મેનેજેર કોણ હતા? મેનેજરની ભૂમિકા શું હતી? ખરેખર એયરપોર્ટ પર શું થયુ હતુ? કયા કયા ક્રિકેટરો પાસે દારૂ નહોતો? આ તમામ મુદ્દે પણ શ્રીમાન હિમાંશુ શાહ સત્વરે સ્પષ્ટતા કરે તેવી અપેક્ષા રખાઈ રહી છે.