અષાઢી બીજના શુભ મુર્હૂતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાહનોની ધૂમ ખરીદી, રાજકોટમાં 4000 બાઈક અને 1200થી વધારે કાર વેચાઈ
લોકોમાં રથયાત્રાના દિવસે જ વાહનની ડિલિવરી લેવાનું ચલણ અષાઢી બિજનો પવિત્ર દિવસ અને રથયાત્રાના તહેવારના લીધે પણ વધ્યું છે.
Rajkot News: અષાઢી બીજનો પવિત્ર દિવસ અને રથયાત્રાનો તહેવાર હોઇ શહેરમાં મોટરસાઈકલ અને મોટરકારની ખરીદી માટે ધસારો હોય છે. ઓટોમાર્કેટમાં હવે રથયાત્રાનો દિવસ નવરાત્રી અને દશેરા જેટલો જ મહત્ત્વનો બની ગયો છે.
લોકોમાં રથયાત્રાના દિવસે જ વાહનની ડિલિવરી લેવાનું ચલણ અષાઢી બિજનો પવિત્ર દિવસ અને રથયાત્રાના તહેવારના લીધે પણ વધ્યું છે. આથી ઓટો કંપનીઓએ આકર્ષક સ્કીમો બહાર પાડી રહી છે. મોટરકારના શો-રૂમને પણ રથયાત્રાના દિવસે ખાસ સજાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ શુભ મુહૂર્તમાં વાહનની ડિલિવરી લેવા માટેની પણ માહિતી આપવામાં આવી રહી છે. શો-રૂમ ખાતે જ વાહનની પૂજા કરવા માટેનું આયોજન પણ કરાયું છે.
રથયાત્રાના દિવસે નવાં વાહન સહિત નવી વસ્તુઓ ખરીદવાની માન્યતા છે. ચાલુ વર્ષે પણ આ દિવસે વાહનની ધૂમ ખરીદી થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે કાર અને બાઇકની ધૂમ ખરીદી થઈ છે. રાજકોટ શહેરમાં 4000 બાઈક અને 1200 થી વધારે કારનું એક જ દિવસમાં વેચાણ થયું છે. સૌથી વધુ લો બજેટની કારનું વેચાણ જોવા મળ્યું છે.
ચોમાસા પહેલા જ સારો વરસાદ થતાં અને સારા વર્ષની આશાએ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ ધૂમ ખરીદી નીકળી છે. આજના દિવસે લોકો પરિવાર સાથે શુકનવંતું મુહૂર્તા સાચવવા માટે કાર અને બાઈકની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા.