રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, આ ચાર અધિકારીઓની પોલીસે ધરપકડ કરી
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
રાજકોટ: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ સૌથી મોટા સામાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પોલીસે અંતે ધરપકડ કરી છે. તમામ અધિકારીઓની છેલ્લા 24 કલાકથી પૂછપરછ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચારેય અધિકારીઓ બેદરકાર જણાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
રાજકોટના નાનામવા રોડ પરના TRP ગેમ ઝોનમાં ગુનાહિત બેદરકારીથી લાગેલી આગમાં મૃત્યુઆંક સત્તાવાર રીતે 28 હોવાનું સરકારે જાહેર કર્યું છે. આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે DNA ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી. અત્યાર સુધીમાં કુલ 27 મૃતદેહ તેમના સ્વજનોનો સોંપવામાં આવ્યા છે.
રાજકોટ પોલીસ અને RMC ના પાપનો પર્દાફાશ કરતો પત્ર સામે આવ્યો છે. ગેમઝોનની પોલીસે આપેલી મંજૂરીનો પત્ર એબીપી અસ્મિતાએ રજૂ કર્યો હતો. 21/11/2023 ના રોજ રાજકોટ પોલીસે યુવરાજસિંહ સોલંકીને આપેલા લાયસન્સની કોપી એબીપી અસ્મિતાએ જાહેર કરી હતી. રાજકોટ પોલીસે ગેમઝોનને લાયસન્સ આપ્યાની વાત રાજકોટ ફાયર બ્રીગેડે પણ છુપાવી હતી. એબીપી અસ્મિતાએ પૂછેલા સવાલ પર ફાયર ઓફિસર ખોટું બોલ્યા હતા. પોલીસે ખોટી રીતે લાયસન્સ આપ્યું તે દિવસે જ તપાસ કરી હોત તો દુર્ઘટના ટળી શકી હોત.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ,કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાંક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.