Rajkot: રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ, વેરહાઉસનો મેનેજર સ્ટીકર બદલવાના આપતો હતો રૂપિયા
Rajkot:રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
Rajkot: રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજકોટમાં સરકારી ગોડાઉનમાંથી દવાઓ ખાનગીમાં વેચાતી હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસની તપાસ માટે ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી હતી. મળતી જાણકારી અનુસાર, ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા દવા વેચવાનું રેકેટ ચલાવતો હતો. GMSCLના ટેન્ડર અનુસાર ખાનગી ફાર્મા કંપનીને દવાઓમાં કિંમત ન લખવા સૂચના અપાઈ હોય છે. વેરહાઉસ મેનેજર પ્રતીક રાણપરા સહકર્મચારી સાથે મળીને કૌભાંડ આચરતો હતો. સ્ટોક ચોપડે ચડી ગયા બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર દવાનું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો હતો.
ગોડાઉનના મેનેજર પ્રતીક રાણપરાના થેલામાંથી પાંચ હજાર અને સાત હજારની બે અલગ અલગ પહોંચ મળી આવી હતી. પ્રતીક સરકારી દવાનો જથ્થો હેત્વિક હેલ્થકેરની વેચતો હોવાની શંકા છે. અલગ અલગ ડેઈલી ગુડ્સ રજીસ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી.
આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેટે કહ્યું હતું કે આ બિલો ખોટા છે. અમારે બિલ મામલે કાંઈ લેવા દેવા નથી. તપાસ દરમિયાન પ્રતીક રાણપરા પાસેથી સિવિલના નામે પહોંચ મળી હતી. વેર હાઉસમાં CCTV કેમેરા બંધ હોવાનું પણ મળી આવ્યું હતું. રાજકોટ GMSCL ના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. GMSCL સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રમાં દવાઓ મોકલે છે. આ દવાઓમાં ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લેબલ લાગેલું હોય છે. GMSCL ના ટેન્ડર અનુસાર ખાનગી ફાર્મા કંપનીને દવાઓમાં કિંમત ન લખવા સૂચના આપવામા આવતી હોય છે.
પ્રતિક અને તેની પત્ની હેત્વિક હેલ્થકેરમાં બેસતા હતા. હેત્વિક હેલ્થ કેરના બિલ પ્રતિક જ બનાવતો હોવાની શંકા છે. દરરોજ કેટલો જથ્થો આવતો હતો અને ક્યાં ક્યાં જતો હતો તેને લઇને ગાંધીનગરના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પ્રતિક રાણપરાએ રાખેલા કર્મચારીઓએ પણ કબૂલાત કરી હતી કે સરકારી સ્ટીકર બદલાવવાના રૂપિયા મળતા હતા.
GMSCL નાં કૌભાંડ મામલે સિવિલ અધિક્ષક ત્રિવેદીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે GMSCL અને સિવિલ હોસ્પિટલને કોઈ સીધો સંપર્ક નથી. સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. કૌભાંડમાં સિવિલ હોસ્પિટલનાં કર્મચારીની સંડોવણી જણાશે તો પણ કડક કાર્યવાહી કરવાની તેમણે ખાતરી આપી હતી.