રાજકોટમાં ભૂમાફિયાઓએ કરેલી કારખાનેદારની હત્યાની તપાસ CIDને સોંપાશે, ગૃહ રાજ્ય મંત્રીએ આપી જાણકારી
રાજકોટમાં ભૂમાફિયાઓ દ્વારા કારખાનેદારની હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસની લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
રાજકોટ: રાજકોટમાં ભૂમાફિયાઓ દ્વારા કારખાનેદારની હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસની લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું કે રાજકોટમાં ભૂમાફિયા દ્વારા કારખાનેદારની હત્યાની તપાસ CIDને સોંપવામાં આવશે.
યુનિવર્સિટી પોલીસની તપાસમાં મયુરસિંહ જાડેજા ભરત ઉર્ફે ભૂરો નારણભાઈ સોસા તેમજ અમિત ભાણવડીયા નામના શખ્સોના નામ સામે આવ્યા છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ અવિનાશભાઈ કુરજીભાઈ ધુલેશીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આઈપીસીની કલમ 302 (IPC 302) તેમજ 120bનો ઉમેરો કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર કેસ ?
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તે માટે સોસાયટીની બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી. જો કે,થોડા દિવસ પહેલા ભૂમાફિયાઓ ગુંડાઓની 5 જેટલા શખ્સો નશાની હાલતમાં ધસી આવી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અવિનાશ ધુલેશિયા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર બનાવ હત્યામાં પલટાઈ જતા ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટ શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુ માફિયાના ત્રાસનો મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. મૃતકના પરિવારજનોને મળવા માટે ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા, ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા , સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનોની મુલાકાત લીધી હતી. રાજકોટની રાધેકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાના આતંકનો મામલે સોસાયટી ખાલી કરાવવાના આરોપની ફરિયાદમાં વધુ 3 નામ ઉમેરાતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં જમીન પડાવા મુદ્દે ગેંગ કાર્યરત હોય તેમ ધાક-ધમકી અને બળજબરીથી કરોડોની કિમતની મોકાની જમીન પડાવતા હોવાની વાત સામે આવતા કેટલાય સવાલો ઉઠ્યા છે.
થોડા દિવસ પૂર્વે મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જે બાદ પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.