Rajkot: પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદારના નકલી વારસદાર, ભાજપનો વળતો પ્રહાર
Rajkot: રાજ્યમાં સરદાર પટેલના અસલી વારસદાર કોણ તેને લઈ રાજનીતિ શરૂ થઈ છે.
Rajkot: રાજ્યમાં સરદાર પટેલના અસલી વારસદાર કોણ તેને લઈ રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના નેતાઓને રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરદારના નકલી વારસદાર ગણાવ્યા હતા. જ્યારે સરદારનો હું અસલી વારસ છું તેનો મને ગર્વ હોવાની વાત કરી હતી. પરેશ ધાનાણીના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો હતો. ભાજપ નેતા યમલ વ્યાસે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ હતાશામાં છે. કોંગ્રેસે હંમેશા જ્ઞાતિવાદની રાજનીતિ કરે છે. ભાજપ બધાને સાથે રાખીને વાત કરે છે.
રાજકોટમાં કૉંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં પરેશ ધાનાણીની બાઈક રેલી યોજાઇ હતી. બાઇક રેલીની શરૂઆત ઈન્દિરા સર્કલથી કરાઇ હતી. બાઇક રેલીમાં શહેર કૉંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જોડાયા હતા.ધાનાણીએ કહ્યું કે ભાજપે હંમેશા વર્ગવિગ્રહના બીજ રોપ્યા છે. ભાજપ ફરીથી વર્ગવિગ્રહ કરાવવા માંગે છે. 18 વર્ષે ભાજપના વટવૃક્ષને હટાવવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષ પર ખોટા આરોપ લગાવવામાં આવ્યો છે. દેશની દીકરીઓ ભાજપને માફ કરશે નહીં. દેશી જનતા આ વખતે ભાજપને હરાવશે.
પરેશ ધાનાણીના નિવેદન પર પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે સરદાર સાહેબ સાથે કોઈની સરખામણી કરી શકાય નહીં. ધાનાણીના રાજકીય નિવેદનને મારું સમર્થન નથી. ધાનાણીએ અંગત સ્વાર્થ માટે નિવેદન આપ્યુ છે. આંદોલન સમયે ભાજપના નેતાઓ મૌન હતા.ભાજપ નેતા વરુણ પટેલે કહ્યું હતું કે પરેશભાઈ બોલવા માટે સ્વતંત્ર છે. સસ્તી પ્રસિદ્ધી માટે સરદાર પટેલનો ઉપયોગ કર્યો છે. સરદાર પટેલ વિશ્વમાં ગૌરવવંતુ નામ છે. અનામત આંદોલન સમયે કોંગ્રેસના ક્યા નેતાઓ બોલ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના ખેડૂત નેતા લલિત કગથરાએ કહ્યું હતું કે અમે સરદારના સાચા વંશજો છીએ કેમ કે સરદાર પટેલ 20 વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ હતા. જે વિધાનસભામાં સાચું બોલવાની હિંમત કરે, તે જ સરદારના સાચા વંશજો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસના પુરતા ભાવ મળતા નથી. ખેડૂતોને હાલ 1300 થી 1400 રૂપિયા એક મણના ભાવ મળી રહ્યા છે. એક સમયે એવો હતો કે એક ખાંડી મગફળી વેચો એટલે એક તોલુ સોનું આવતું હતું. આજે બે ખાંડી મગફળી વેચીએ તો પણ એક તોલુ સોનું આવતું નથી.