વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
હરિગીરી વિરુદ્ધ મહેશગીરી: જૂનાગઢમાં ગાદી માટે ધર્મયુદ્ધ.

Junagadh saints and monks dispute: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે. હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ હરિગીરી પર અનેક આકરા પ્રહારો કર્યા છે. તેમણે હરિગીરી પર વેશ્યાવૃત્તિ, નકલી સાધુઓ, દારૂ અને મૂજરા થતા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, તેમણે શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
મહેશગીરીએ પત્રકાર પરિષદ કરીને કેટલાક વીડિયો પણ રિલીઝ કર્યા છે, જેમાં તેમણે જૂના અખાડાના સંરક્ષક હરિગીરીની જવાબદારીમાં આ બધું ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જૂના અખાડાના કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ રહી છે અને તેના માટે જવાબદાર માત્ર ને માત્ર હરિગીરી છે. મહેશગીરીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી હરિગીરી ભવનાથ અને ગિરનારમાંથી નહીં જાય ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે.
મહેશગીરીએ હરિગીરી પર 'ગિરિયો અને હરિયો' કહીને પણ પ્રહાર કર્યા હતા. તેમણે ગિરીશ કોટેચા અને તેમના પરિવાર દ્વારા મનપા ચૂંટણી માટે ટિકિટની માંગણી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે 'ગીરીયો અને હરિયો' બંનેને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા અને ભાજપને પણ લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આવા ભ્રષ્ટાચારીઓના કારણે જુનાગઢ બદનામ થઈ રહ્યું છે.
રાણપુર ખાતે મહેશગીરી બાપુની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે મમતા કુલકર્ણીનું રાતોરાત મહામંડલેશ્વર બનવું અયોગ્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે મહામંડલેશ્વર બનતા પહેલાં તેમણે થોડું તપ કરવું જોઈતું હતું. તેમણે મહામંડલેશ્વર પદ માટે પૈસાની લેતી દેતી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ જૂના અખાડા પરિષદે ખૂબ જ મોટો નિર્ણય કર્યો હતો. પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય કરતા મહેશગીરી બાપુને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા હતા. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરીની હકાલપટ્ટી કરાઈ છે. મહાદેવગિરી બાપુ, કનૈયાગિરી બાપુ અને અમૃતગિરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. કુંભમેળામાં પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો....
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
