રાજકોટની આ કોલેજ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ, કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા વિદ્યાર્થીઓને આપી નોટિસ
લોકડાઉનમાં કોલેજ બંધ હોવા છતાં કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું.
રાજકોટઃ રાજકોટમાં બી.કે.જસાણી કોલેજ ખાતે વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર લોકડાઉનમાં કોલેજ બંધ હોવા છતાં કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું.
કોલેજના 300 જેટલા વિધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, અમે કોમ્પ્યુટરનો ઉપયોગ જ નથી કર્યો તો અમે ફી શા માટે ભરીએ. આ મુદ્દે વિદ્યાર્થીઓ કોલેજના આચાર્યને ફી માફી અંગે રજૂઆત કરવા જતાં આચાર્યએ ઓફિસમાં જ પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. કોલેજ દ્વારા ફી નહિ ભરનાર વિધાર્થીઓને NOC આપવાની પણ ધમકી આપવામાં આવી હતી.
બીજી તરફ સુરતની પાલ ખાતે આવેલ એલ.પી.સવાણી સ્કૂલ સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનથી વંચિત રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ વાલીઓએ કરી હતી. આ મામલે શાળા સંચાલકોએ જવાબ આપ્યો હતો કે પેઇડ સર્વર હોવાથી ઓનલાઈન એજ્યુકેશન આપી શકાય નહિ. સુરતમાં કોવિડ કામગીરી માં ગેરહાજર શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહીની ચર્ચાઓ થઇ છે. Deo દ્વારા કોવિડ કામગીરીમાં હાજર નહીં રહેલા 45 શિક્ષકોની યાદી તૈયાર કરાઈ છે. શિક્ષક, આચાર્ય અને ક્લાર્કની યાદી તૈયાર કરાઈ હતી. આ યાદી જે તે શાળાઓને મોકલી દેવામાં આવી છે. શિક્ષકો વિરોધી પગલાં લેવાની સત્તા શાળાઓને સોંપવામાં આવશે. વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 4 હજાર વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટક્યા હતા. 10 જેટલી આર્ટ્સ કોલેજોએ ઇન્ટરનલ માર્ક્સ યુનિવર્સિટીમાં રજૂ ન કરતા વિદ્યાર્થીઓને ભોગવવાનો આવ્યો વારો છે.તાત્કાલીક ધોરણે ઈંટરનલ માર્ક્સ રજૂ કરવા યુનિવર્સિટીએ સૂચન આપ્યું છે.
તો રાજકોટમાં પણ કોરોનાની કામગીરી કરતા અટેન્ડન્સે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં કામગીરી કરતા અટેન્ડન્સને પગાર ન કરાતા વિરોધપ્રદર્શન કર્યું હતું. તેઓએ અગાઉ વિરોધ કર્યો હોવાથી છૂટા કરી દેવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવાયો ન હોવાથી વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.