મોરબી પાસે કોન્ટ્રાક્ટરની કાર વીજળીના થાંભલા સાથે અથડાતાં મહિલા સહિત ત્રણનાં મોત, કેવી રીતે થયો અકસ્માત ?
મોરબીના રાજપર રોડ પર થોરાડા પાસે એક કાર બેફામ ઝડપે આવીને વીજળીના થાંભલા સાથે જોરથી અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલી મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હોવાની પોલીસે માહિતી આપી છે.
મોરબીઃ મોરબીમાં બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. મોરબીના રાજપર રોડ પર થોરાડા પાસે એક કાર બેફામ ઝડપે આવીને વીજળીના થાંભલા સાથે જોરથી અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલી મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હોવાની પોલીસે માહિતી આપી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, તમામ મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે અકસ્માતનો ગુનો હાથ ધરીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઝારખંડના સાહેબલાલ અને તેમના પત્ની મોરબીમાં રહેતાં હતાં. મૂળ બિહારનો રંજન નામનો યુવક પણ મોરબીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. રંજન મોરબી જિલ્લાના ચાચાપર પાસ પાસે આવેલી પોલીપેકની ફેક્ટરીમાં મજૂરના કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો. આ તમામ લોકો મોરબીના ટંકારામાં રહેતા હતાં અને એક જ વિસ્તારનાં હોવાથી તેમની વચ્ચે સારો ઘરોબો હતો.
સાહેબલાલ, તેમનાં પત્નિ અને રંજન એમ ત્રણેય લોકો એસન્ટ કારમાં સવાર થઈને બુધવારની રાતે ટંકારા તરફ આવી રહ્યાં હતા ત્યારે રાત્રે 10.30 કલાકની તેમની કાર થોરાળા ગામના પાટિયા પાસે વીજળીના થાંભલા સાથે જોરથી અથડાઈ હતી. આ અકસ્માતમાં સાહેબલાલ, તેમનાં પત્નિ તથા કોન્ટ્રાક્ટરનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું. કાર કેવી રીતે વીજળીના થાંભલા સાથે સાથે અથડાઇ તે અંગે હજુ સુધી કોઇ વિગતો સામે આવી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કાર વળાંકના સમયે વીજળીના થાંભલા સાથે સાથે ટકરાઈ હતી. રાતના અંધારામાં વળાંકનો ખ્યાલ ના આવતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો જોરદાર હતો કે થાંભલા સાથે અથડાયા બાદ કારનો ભુક્કો બોલી ગયો હતો. કાર પલટી મારી ગઇ હતી અને તેના કારમે ત્રણેયનાં દબાઈ જવાથી મોત થયાં હતાં. અકસ્માતની જાણ થતાં થોરાળા ગામના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસને મદદ કરી હતી.