Uttarayan Festival 2023: સુરતમાં લોહિયાળ બની ઉત્તરાયણ, મામાના ઘરે આવેલા યુવકનું પતંગની દોરી વાગતા મોત
Uttarayan Festival 2023: સુરતના કામરેજમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે. ગત સાંજના સમયે કામરેજ ચાર રસ્તા પાસે યુવકના ગળામાં દોરી વાગી હતી. જે બાદ ગંભીર ઇજા થતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું.
Uttarayan Festival 2023: સુરતના કામરેજમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે. ગત સાંજના સમયે કામરેજ ચાર રસ્તા પાસે યુવકના ગળામાં દોરી વાગી હતી. જે બાદ ગંભીર ઇજા થતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતક યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો અને નનસાડ ગામ મામાને ત્યાં આવ્યો હતો. નનસાડ ગામથી કામરેજ ચાર રસ્તા પાસે બાઈક પર ચક્કર મારવા નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશન ભાઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેની ઉંમર 32 વર્ષની હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. કામરેજ તાલુકામાં ૧૪ દિવસમાં કાતિલ દોરીના કારણે બે લોકોના મોત થયા છે.
ગાંધીધામમાં પતંગની દોરી વાગતા યુવકનું ગળું કપાયું
ગાંધીધામમાં એક યુવાનનું પતંગની દોરીથી ગળુ કપાઈ જતા મોત નિપજ્યું છે. ગઈ કાલે બપોરના પતંગની દોરીથી ગળુ કપાયું હતું. જે બાદ તેને સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મોત નિપજ્યું હતું. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. તહેવાર નિમિતે યુવાન દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
રાજકોટમાં અચાનક દીવાલ ધસી પડતાં 1નું મોત જયારે 3 લોકો ઘાયલ
રાજકોટમાં અચાનક દીવાલ ધસી પડતાં ભંયકર દુર્ઘટના ઘટી છે. રાજકોટની લક્ષ્મીવાડી નજીક દીવાલ ધસી પડતાં 3 લોકો ઘાયલ થયા છે જ્યારે 1નું મોત થયાના અહેવાલ છે.રાજકોટની લક્ષ્મીવાડી વિસ્તારમાં 21 નંબરની શેરીમાં છજુ તુટી પડ્યું હતું,રિનોવેશન કામ દરમિયાન ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને રેસ્ક્યુ કામગીર હાથ ધરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરાઇ છે.
રાજ્યમાં એક જ દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત
મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે. વડોદરામાં પતંગની દોરીના કારણે યુવકનો અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો. મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં 4 વર્ષીય માસૂમ દીકરીને ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.
બીજી તરફ રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો બદનસીબે તેને બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.