AIMIMમાં ભડકો, અસદુદિન ઓવૈસીની મુલાકાત બાદ સુરતના તમામ હોદ્દેદારો બરતરફ
AIMIMના પ્રમુખ અસદુદિન ઓવૈસી હાલમાં ગુજરાત પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણી પહેલા તેમની મુલાકાત સૂચક માનવામાં આવે છે. તો ગઈ કાલે તેઓ સુરતમાં હતા જ્યાં કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ તેમનો વિરોધ પણ કર્યો હતો
સુરત: AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદિન ઓવૈસી હાલમાં ગુજરાત પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણી પહેલા તેમની ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવે છે. તો ગઈ કાલે તેઓ સુરતમાં હતા જ્યાં કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ તેમનો વિરોધ પણ કર્યો હતો. આજે સામે આવેલી વિગતો અનુસાર AIMIMના સુરત શહેર અને જિલ્લાના તમામ હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદિન ઓવૈસીની સુરત મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખે લેટર જાહેર કરી તમામ નિમણુંકો રદ્દ કરી છે. સુરત શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, યુવા અને મહિલા મોરચાના તમામ હોદ્દેદારોની હકાલપટ્ટી કરી છે. AIMIMના નવા સંગઠનની નિમણુંક ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
આ બે દિગ્ગજ નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે
અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ હાર્દિક પટેલ ઘણા પ્રસંગે ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની તેમની સંભાવના વધુ છે. હવે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ મેના અંતમાં ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરશે.
મોદીની રાજકોટ યાત્રા સમયે નરેશ પટેલ મોટું એલાન કરશે? પટેલે બુધવારે રાખ્યો કયો કાર્યક્રમ?
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકીય પ્રવેશનું રહસ્ય હવે ગમે ત્યારે ખુલી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહિ તે ચિત્ર નજીકમાં છે. રાજકોટ નજીક આટકોટ PM આવી રહ્યા છે ત્યારે નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇ જાહેરાત કરે તેવી અટકળો તેજ થઈ છે. રાજકોટમાં આવતી કાલે નરેશ પટેલે મીડિયાકર્મીઓ સાથે મિલન યોજ્યું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આમંત્રિત કરતા નરેશ પટેલ મોટી જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઈ છે.
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો પુત્ર 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે
અરવલ્લી: ગુજરાતનાં ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. અનેક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાશે. આજે ભિલોડા ખાતે કેવલ સીઆર પાટીલની હાજરીમાં કેસરીયો કરશે. કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહીત ૧૫૦૦ કાર્યકરો ભાજપમાં જોડાશે. ભિલોડા વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપની કવાયત શરૂ થઈ ગઈ છે. ભિલોડા આર જી બારોટ કોલેજ કેમ્પસ ખાતે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કેવલ જોષીયારાના પિતા ડો.અનિલ જોષીયારા પાંચ ટર્મથી ધારાસભ્ય હતા. આદિવાસી વિસ્તારની બેઠકો કબ્જે કરવા ભાજપ આગળ વધી રહ્યું છે.