ગુજરાતના આ શહેરમાં ફરીથી શરૂ થશે BRTS, સવારે 6-30થી સાંજે 7 કલાક સુધી દોડશે બસ
હાલ કોરોના કેસો અંકુશમાં આવતા આઠ રૂટ પર 143 બીઆરટીએસ બસ દોડશે.
સુરતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં પાલિકાએ તબક્કાવાર રીતે બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા પાંચ રૂટ પર 83 બસો શરૂ કર્યા બાદ હવે બીજા 3 રૂટ પર 60 બસો શરૂ કરવામાં આવી છે. સવારે 6.30 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આઠ રૂટ પર 143 બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં સીટી અને બીઆરટીએસ બસ સેવા 17 માર્ચથી બંધ કરી હતી. પરંતુ હાલ કોરોના કેસો અંકુશમાં આવતા આઠ રૂટ પર 143 બીઆરટીએસ બસ દોડશે. આ નિર્ણયના કારણે સુરતીઓને થોડી રાહત થઈ છે.
તો આ તરફ અમદાવાદ શહેર. જ્યાં AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવા માટે હજુ સુધી નથી લેવાયો કોઈ નિર્ણય. જો કે, આ મહિનાના અંત સુધીમાં AMTS અને BRTS બસ દોડી શકે છે.
દોઢ મહિનાથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસના થંભી ગયા છે પૈડા. એવામાં કોરોનાનું સંક્રમણ ઘટતા AMTS-BRTS બસ સેવા ફરી શરૂ થાય તેવી સંભાવના છે. 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે ફરીથી બસ સેવા શરૂ કરાય તેવી સંભાવના છે. દિવસમાં બે વખત બસને સેનેટાઈઝ કરાઈ શકે છે. તો બસની ટ્રીપ પહેલાં ડ્રાઈવર અને કંડક્ટરને થર્મલ સ્ક્રીનિંગ ચકાસણી બાદ જ બંસ હંકારવા સુધીની ગાઈડલાઈન બહાર પડાઈ શકે છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી AMTS અને BRTS બસ બંધ હોવાથી અમદાવાદ મનપાને થઈ રહ્યું છે મોટું આર્થિક નુકસાન.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં ગઈકાલે 9676 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા હતા. જ્યારે 3250 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 44 દર્દીઓના મોત નીપજ્યા હતા.
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3204 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે 491 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 210 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 197 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 306 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 226 લોકો થયા સંક્રમિત.