(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: મેકઅપના થથેડા કરતાં પહેલા ચેતી જજો, સુરતમાંથી બનાવટી કોસ્મેટીક પ્રોડક્ટની ફેક્ટરી પકડાઈ
Surat News: સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર: કમિશનર ડૉ. એચ. જી. કોશિયા
- તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ ૯ નમુના લઈ ચકાસણી માટે મોકલાયા: રૂ.૨૩.૭૦ લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત
- અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટીક બનાવી તેઓના નામ તથા સરનામા ના લેબલો લગાડી એમોઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર મોટાપાયે વેચાણનો પર્દાફાશ
FDA seizes unauthorized cosmetic products: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયા એ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટીક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ ૯ નમુના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને રૂ.૨૩.૭૦ લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે
તેમણે ઉમેર્યુ કે,રાજ્યમાં દવા તથા કોસ્મેટીક નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવા તેમજ કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ વ્યકિતઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કરવામાં આવે છે.જેના ભાગરૂપે તાજેતરમાં વાય.જી. દરજી, નાયબ કમિશ્નર (ચા.શા) ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજયની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડૉ. પી. બી. પટેલ મુખ્ય કચેરી, ગાંધીનગરના અને પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશ્નર, સુરત, તથા સુરત , ભરુચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ એ સાથે રહી ગેરકાયદેસર પગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટીકની ફેકટરીમાં દરોડા પાડ્યા. જેમાં
(૧) સ્મિત એન્ટરપ્રાઇઝ, જી ૨, અંડરગ્રાઉંડ, એટલાંટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટીક બનાવટ્નું ઉત્પાદન કરતા સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડીને રૂ. ૪.૩૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તથા ૪ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.
આ ઉપરાંત આજ ટીમ દ્વારા સી.કે કોર્પોરેશન, પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલ વાળી કોસ્મેટીક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવેલ. જેમાં તેઓ દ્વારા પ્રીશીલ લેબોરેટરી, વડોદરા ના નામ, સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટીક નું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓન લાઇન પ્લેટફોર્મ પર કોસ્મેટીક નુ વેચાણ કરતા નિકુલભાઇ ભિમજી ભાઇ રુખી ને પકડી પાડીને આશરે રૂ.૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને ૫ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપેલ છે.
તેમણે કહ્યુ કે,તંત્રની તપાસ દરમ્યાન અધિકારીઓએ ૯ નમુનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.
વધુમાં ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે આ ફેક્ટરીની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટીક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કર્યુછે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.