Surat: સુરતમાં ફરી જોવા મળ્યો રફ્તારનો કહેર, નબીરાએ ત્રણથી ચાર લોકોને લીધા અડફેટે
Surat:શહેરના મોટા વરાછા વિસ્તારમાં સ્કોડા ગાડીમાં નબીરાએ 3થી 4 લોકોને અડફેટે લીધા હોવાની માહિતી મળી રહી છે.
Surat: સુરતના મોટા વરાછામાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના મોટા વરાછા વિસ્તારમાં સ્કોડા ગાડીમાં નબીરાએ 3થી 4 લોકોને અડફેટે લીધા હોવાની માહિતી મળી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી ચલાવીને નબીરાએ રાહદારીઓ અને વાહન ચાલકને અડફેટે લીધા હતા. 61 વર્ષીય વૃદ્ધ રસિકભાઈ પોતાના દીકરીના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે નબીરાએ તેમને અડફેટે લીધા હતા. રસિકભાઈ સાથે તેમનો પાંચથી સાત વર્ષીય પૌત્ર પણ તેમની સાથે હતો. જોકે સદ્દનસીબે પૌત્રને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પરંતુ રસિકભાઈને માથામાં સાઇડના ભાગે ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ હાજર લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. હાલમાં તો અકસ્માત સર્જનાર ભાવેશ ચલોડિયા વિરુદ્ધ ઉત્રાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદમાં ફરી એક વખત પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જયો છે. શહેરના વાસણાના ખોડીયારનગર વિસ્તારમાં નંબર પ્લેટ વગરની ખાનગી કારે શાહ પરિવારના ચાર લોકોને અડફેટે લીધા હતા. તપાસમાં ખુલાસો થયો કે નંબર પ્લેટ વગરની બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર આરોપી સોલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વિજય અણીયારીયા છે.
પોલીસે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે જો કે હવે જામીન પર છૂટકારો થયો છે. એબીપી અસ્મિતા સાથેની વાતમાં ઈજાગ્રસ્ત પરિવારે કહ્યુ કે, તેઓ રાત્રિના સમયે વાસણામાં આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા જતા હતા. ત્યારે સામેથી આવતી કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોનક શાહ, પત્ની અને બે બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સુરતમાં અકસ્માત
સુરતનો સિટી લાઈટ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ છે. શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઈનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.