Rain: મકાનો-દુકાનોમાં પાણી ઘૂસ્યા, સુરતના તમામ વિસ્તારો જળબંબાકાર, 7 ઇંચ વરસાદથી લોકો ઘરમાં પૂરાઇ રહેવા મજબૂર
Surat Heavy Rains: હાલમાં શહેર આખું જળબંબાકાર થયુ છે, જેમાં અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટમાં પાણી ભરાયા છે

Surat Heavy Rains: સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે, સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ સુરતને મેઘરાજાએ ઘમરોળ્યુ છે, આજે સવારથી શરૂ થયેલા વરસાદે જિલ્લાના તમામ વિસ્તારોમાં જબરદસ્ત બેટિંગ કરી છે, માત્ર ચાર કલાકમાં જ 7 ઇંચ વરસાદ ખાબકતાં પાણી ભરાયા છે. ક્યાંક કેડ સમા પાણી છે તો ક્યાક ગોઠણ સમા પાણીથી શહેરીજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. વરસાદી પાણીમાં લોકો ઘરમાં પૂરાઇ રહેવા મજબૂર બન્યા છે.
આજે સવારથી પડેલા ભારે વરસાદના કારણે સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. સુરત શહેરમાં 2 કલાકમાં 5.67 ઈંચ પડ્યો છે, સુરત શહેરમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી 5.67 ઈંચ વરસાદ પડ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, સુરતમાં ચાર કલાકમાં 7 ઇંચ વરસાદથી તબાહી મચી છે, સ્કૂલોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે, અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ યથાવત્ રહેતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અડાજણ, એલપી સવાણી રોડ, કેનાલ રોડ, ડભોલી અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય સુરતના મહિધરપુરા, મજુરાગેટ અને અઠવાગેટ વિસ્તારોમાં પણ વરસાદી પાણીના કારણે ટ્રાફિકમાં અવરજવર જોવા મળી છે. દક્ષિણ અને પશ્વિમી સુરતના વિસ્તારો જેમ કે વેસુ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, સિટી લાઈટ, તેમજ પાંડેસરા, ઉધના અને ખટોદરામાં પણ સતત વરસાદ વરસતા નદી-નાળાઓ નજીકના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. આ તમામ વિસ્તારોમાં સ્થાનિક રહેવાસીઓએ પાણી ભરાવા અને વાહન વ્યવહાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં શહેર આખું જળબંબાકાર થયુ છે, જેમાં અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટમાં પાણી ભરાયા છે, આ ઉપરાંત રાંદેર, અડાજણ, પાલ, અઠવા વિસ્તારમાં પાણી ભરાયા છે, ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આજે તમામ શાળાઓમાં બપોર પાળીની રજા જાહેર કરવામાં આવે છે. સવારની પાળીમાં હાજર રહેલા બાળકોને ઝડપથી ઘરે પહોંચાડવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા DEOએ રજા જાહેર કરવા સૂચના આપી છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામત રીતે જલ્દીથી જલ્દી ઘરે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.





















