સુરતમાં વઘાસિયા પરિવારે પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ, લીવર અને આંખોનું દાન કરી ત્રણ લોકોને આપ્યું નવજીવન
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા ૨૧મું અંગદાન, પરિવારે લીવર અને આંખોનું દાન કરીને જગાવી ત્રણ પરિવારોમાં આશા.

Surat organ donation news: સુરત શહેરમાં વઘાસિયા પરિવારે માનવતાની એક અનોખી મિશાલ કાયમ કરી છે. પરિવારે તેમના સ્વર્ગસ્થ સભ્ય રસીલાબેન ધીરુભાઈ વઘાસિયાના લીવર અને બંને આંખોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત દ્વારા આજે આ ૨૧મું અંગદાન કરાવવામાં આવ્યું, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઘટના છે.
મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામના અને હાલ સુરતના સરથાણા જકાતનાકા પાસે શ્રીનાથદ્વાર એપાર્ટમેન્ટમાં રહેતા ૫૮ વર્ષીય રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા તારીખ ૧૮-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ઘરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયો. તબિયત ખરાબ જણાતા તેમના પરિજનોએ તાત્કાલિક તેમને કાપોદ્રા ખાતે પી. પી. માણીયા હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં ડો.સંકેત ઠકકર (M.D.Physician) ની દેખરેખ હેઠળ તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી.
હોસ્પિટલમાં ડો.જીગ્નેશ ગેંગડિયા અને ડો.દીપેશ કક્કડ દ્વારા કરવામાં આવેલા જરૂરી રિપોર્ટ અને સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે તેમના મગજની ડાબી બાજુની નળી બંધ છે. જેથી તારીખ ૧૯-૦૩-૨૦૨૫ ના રોજ ડો.પરેશ પટેલ, ડો.જીગર આઈયા અને ડો.રશેસ પટેલ (ઇન્ટરવેસનલ રેડિયોલોજી) ની ટીમે તેમનું ઓપરેશન કર્યું. પરંતુ બીજા દિવસે મગજનો રિપોર્ટ ફરીથી કરવામાં આવતા અને સઘન સારવાર બાદ પણ રસીલાબેનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા.
આ કપરી પરિસ્થિતિમાં ડો.સંકેત ઠકકર અને મહેશ રાદડિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા અને ડો. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો. જીવનદીપની ટીમ તાત્કાલિક પી. પી. માણીયા હોસ્પિટલ પહોંચી અને ત્યાં રસીલાબેનના પતિ ધીરુભાઈ અને તેમના બંને દીકરાઓ વિજયભાઈ (ઉ.૩૭ વર્ષ) અને કમલેશભાઈ (ઉ.૩૫ વર્ષ) સહિત પરિવારના તમામ સભ્યો સાથે મુલાકાત કરી.
રસીલાબેનના પતિ ધીરુભાઈ અને તેમના પુત્રો એમ્બ્રોડરી-કાપડનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ મુશ્કેલ સમયમાં રસીલાબેનના પુત્રના મિત્ર મહેશભાઈ રાદડિયા અને ડો. મહેન્દ્ર સુદાણીએ જીવનદીપની ટીમને અંગદાનનું મહત્વ સમજાવવામાં ઘણી મદદ કરી. વઘાસિયા પરિવારે અંગદાનનું મહત્વ સમજ્યું અને કોઈપણ વિલંબ કર્યા વિના અંગદાન માટે તૈયારી દર્શાવી. પરિવારના યુવાનો અને વડીલોએ એકબીજાને હૂંફ અને પ્રેરણા આપી અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે રસીલાબેનના અંગોનું દાન કરવાની સહમતી આપી.
પરિવારની સહમતી મળતા જ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પી. પી. માણીયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના સોટો (SOTO) અને નોટો (NOTO) માં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, પી. પી. માણીયા હોસ્પિટલ અને વઘાસિયા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાનનું આ ઉમદા કાર્ય સફળ થયું. આ પરિવારે લીવર અને બંને આંખોનું દાન કરીને અન્ય ત્રણ લોકોને જીવનદાન આપ્યું. અમદાવાદની આઈકેડીઆરસી (IKDRC) હોસ્પિટલ દ્વારા લીવર સ્વીકારવામાં આવ્યું, જ્યારે બંને આંખોનું દાન સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ખાતે ડો.પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું.
અંગદાનની આ સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો.નિલેશ કાછડીયા, મહેશ રાદડિયા, જસ્વીન કુંજડિયા, બિપિન તળાવીયા, વૈજુલ વિરાણી, સાગર કોરાટ, સતીશ ભંડેરી, ચિરાગ ત્રાપસિયા, અભિષેક સોનાણી, પાર્થ કોરાટ, પી. પી. માણીયા હોસ્પિટલના ચેરમેન ડો.નીલેશ માણીયા, એડમીન ડો.મેહુલ કાબરિયા, ડો. શૈલેશ દેસાઈ, રાજ નાકરાણી તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વઘાસીયા પરિવારના સભ્યોએ સહકાર આપ્યો હતો.
દાન કરાયેલા અંગો સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસે પી. પી. માણીયા હોસ્પિટલથી અમદાવાદ આઈકેડીઆરસી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવી વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતના પ્રયાસોથી અત્યાર સુધીમાં ૨૧ અંગદાન થયા છે, જેના થકી અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાયો છે. વઘાસિયા પરિવારના આ ઉમદા કાર્યને સમગ્ર સમાજ બિરદાવી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
