Surat Murder: સગાઇ તોડી દેતા યુવતીની કરાઇ હત્યા, યુવકના ભાઇએ ગુસ્સામાં આવીને 10 માળેથી ફેંકી દીધી નીચે
સુરતમાંથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટના સામે આવી છે, સુરતમાં સગાઇ તુટી જતાં ગુસ્સે ભરાયેલા યુવકના ભાઇએ યુવતીની હત્યા કરી દીધી હોવાની વાત સામે આવી છે
Surat Suicide And Murder News: સુરતમાંથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટના સામે આવી છે, સુરતમાં સગાઇ તુટી જતાં ગુસ્સે ભરાયેલા યુવકના ભાઇએ યુવતીની હત્યા કરી દીધી હોવાની વાત સામે આવી છે. યુવતીને 10માં માળેતી નીચે ફેંકી દઇને તેની હત્યા કરવામાં આવી હતી, હાલમાં પોલીસે જુનેદ નામના આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે, આ ઘટના સુરતના જહાંગીરપુરા સ્થિત મનપા આવાસમાં આ ઘટના ઘટી છે.
માહિતી પ્રમાણે, સુરતના એક યુવતીની હત્યા બાદ મામલો ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે. સુરતના જહાંગીરપુરામાં મનપા આવાસમાં એક યુવતીની હત્યા થઇ છે. ખરેખરમાં મામલો એવો છે કે સુરતમાં મુસ્લિમ યુવતી જેનુ નામ હબીબાબાનુ છે, તેની સગાઇ અગાઉ એક યુવક સાથે થઇ હતી, આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી તણાવ ચાલી રહ્યો હતો, સગાઇ તુટી ગયા બાદ આ યુવતી અને યુવકનો ભાઇ જુનેદ બાદશાહ શહેરના સુમન વંદના આવાસમાં ફલેટ નંબર १००२ ભેગા થયા હતા. જ્યાં બન્ને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ હતી. જુનેદે હબીબાને હથિયાર માર્યુ અને હબીબાએ સ્વ બચાવમાં જુનેદને ચપ્પૂ માર્યુ હતુ. બાદમાં યુવતીને 10માં માળેથી નીચે ફેંકી દઇને તેની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ જહાંગીરપુરા પોલીસે આરોપી જુનેદ બાદશાહની ધરપકડ કરી છે.
પ્રેમ સંબંધમાં યુવકની હત્યા, બાઈકને કારથી મારી ટક્કર અને પછી...
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલપુર ગામમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ હત્યાનો કેસ 11 દિવસ બાદ ઉકેલાયો છે. માલપુર ગામના ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવાની પત્ની સંગીતાએ ગામમાં રહેતા 26 વર્ષિય મહેશ ઇશ્વરભાઇ વસાવા સાથે ભાગી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાસે ગામમાં ઘર સંસારની શરૂઆત કરી હતી. પત્ની સંગીતા છૂટાછેડા વગર જ ગામના મહેશ વસાવા સાથે ભાગી જતા ગામમાં અને સમાજમાં ગયેલી આબરુથી પતિ ઘનશ્યામ વસાવા ગુસ્સામાં હતો. પતિએ પત્નીના પ્રેમી મહેશ વસાવાને મોતને ઘાટ ઉતારવાનું મનોમન નક્કી કર્યું હતું. માલપુર ગામમાં રહેતા મિત્ર શકીલ રમજુસા દિવાનને મહેશ ગામમાં ક્યારે આવે તે અંગે ધ્યાન રાખવા કહ્યું હતું.
મહેશ વસાવા પોતાની મોટર સાઇકલ લઇને માલપુર ગામમાં પહોંચ્યો હતો. જે અંગેની જાણ મહેશની વોચ રાખનાર શકીલ દિવાને ઘનશ્યામને કરી હતી. ઘનશ્યામ પોતાના ભાઈ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવાને કારમાં બેસાડી માલપુરથી સાધલી તરફ બાઇક લઇને જઇ રહેલા મહેશનો પીછો કર્યો હતો. સાધલીથી સુરાશામળ ગામ વચ્ચે મહેશ વસાવાની બાઇક પાછળ કારથી અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહેશ બાઇક પરથી રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ તે બચી ગયો હતો.
બાઇક ઉપરથી પટકાતા ગંભીર ઇજા પામેલ મહેશ લોહી લુહાણ થઇ રોડ ઉપર પડ્યો હતો. બે ભાઇઓ ઘનશ્યામ વસાવા અને સંદિપ વસાવા મહેશને ઉંચકી કારમાં બેસાડીને લઇ ગયા હતા. આ સાથે તેની બાઇક પણ કારમાં નાંખી લઇ ગયા હતા. રસ્તામાં ગંભીર ઇજાગ્રસ્ત મહેશ વસાવાને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મહેશ મોતને ભેટ્યા બાદ તેની લાશને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામની સીમમાં આશિષ ઉર્ફ ચિરાગ પટેલના શેરડીના ખેતરમાં નાંખી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન હત્યારા ભાઇઓએ મહેશની મોટર સાઇકલની આગળ પાછળની નંબર પ્લેટ તેમજ સાઇડ ગ્લાસ કાઢી માલસર પુલ ઉપરથી નર્મદા નદીમાં નાંખી દીધા હતા અને મોટર સાઇકલ રાયપુર ગામની સીમમાં બીનવારસી મૂકી પરત માલપુર પોતાના ગામ આવી ગયા હતા.
સંગીતાએ શિનોર પોલીસ મથકમાં મહેશ વસાવા ગુમ થયાની જાણ કરી હતી. સંગીતાએ ભૂતકાળ અને વર્તમાન જીવનની વિગતો શિનોર પોલીસને આપી હતી. શિનોર પોલીસે વિગતો મેળવ્યા બાદ તપાસ શરૂ કરી હતી. શિનોર પોલીસે કલમ ૩૦૨, ૨૦૧, ૩૪૧, ૩૬૫, ૧૨૦ (બી), ૩૪ મુજબ ગુનો નોંધી સંદીપ,શકીલની ધરપકડ કરેલ ફરાર પૂર્વ પતિ ઘનશ્યામ ઉર્ફે ધનીયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.