(Source: ECI/ABP News/ABP Majha)
Surat: 2800 રૂપિયાની લેતીદેતીમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવકની હત્યા, બે આરોપી ઝડપાયા
સુરતના પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા 2800 રૂપિયાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટમાં બોથર્ડ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરવામાં આવી હતી.
સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા 2800 રૂપિયાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટમાં બોથર્ડ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. રામુ વર્મા નામના યુવકની બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી બે લોકોની ધરપકડ કરી છે.
સુરતના પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 3 ડિસેમ્બરના રોજ રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી બે ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો મારુતિ નગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલો મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા. જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યુ હતું. બાદમાં શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિ નગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલને ત્યાં આવ્યા હતા. જ્યાં બંસીલાલ જોડે શક્તિ લાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન શક્તિલાલ અને અનંતરામે ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હત્યાના કેસમાં પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ કેસમાં તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે માત્ર રૂપિયા 2800 રુપિયાની લેતીદેતી મામલે થયેલ માથાકૂટમાં અન્ય વ્યક્તિનો જીવ લેવાયો હતો. હાલ તો પાંડેસરા પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.