Vadodara Rain: વડોદરાના ડભોઈમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરા: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ વડોદરાના ડભોઈમાં વરસાદી માહોલ જમ્યો છે. પવનના સુસવાટા સાથે ડભોઈના શાકમાર્કેટ વિસ્તાર, ટાવર બજાર, લાલ બજાર, ચોક્સી બજાર, ઝારોલાવાગા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પરથી વરસાદી પાણી વહેતુ થયા હતા. ડભોઈના ગ્રામ્ય વિસ્તાર સાઠોદ, શિરોલા, શંકરપુરા, વડજ, ચનવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે.
ડભોઈ શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. ડભોઇ એસ.ટી.ડેપો, કન્યા શાળા, લાલ બજાર, જૈનવાગા, નાદોદી ભાગોળ, વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા. તાલુકનાં ગ્રામ્ય વિસ્તાર માં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પંથકના ફરતીકુઈ, થરવાસા, મંડાળા, પારીખાં, કાયાવરોહણ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખેડૂતોમાં ખેતીલાયક વરસાદથી ખુશી જોવા મળી રહી છે.
ક્વાંટમાં ધોધમાર વરસાદ
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ક્વાંટ શહેર અને નવલાજા અને રેનધા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. પંચમહાલના હાલોલમાં બે કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ ખાબક્યો. એક ઈંચ વરસાદથી હાલોલ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા. ગોધરા રોડ, મુખ્ય બજારના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
હવામાન વિભાગે તેમની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
વામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો. ખેરગામમાં 3.19 ઈંચ વરસાદ વરસ્યો તો સૌથી ઓછો ડેડિયાપાડા, કુકરમુંડામાં 1-1 ઈંચ,ખેડબ્રહ્મા, નેત્રંગ, પારડીમાં 1-1 ઈંચ, પારડી, વાલિયામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો. ઉમરપાડામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ વરસ્યો છે.





















