Panipuri: પાણીપુરી ખાતા લોકો થઇ જાવ સાવધાન, પગથી બટાકા ધોઇ રહ્યો છે લારીવાળો, જુઓ VIDEO
Panipuri: પાણીપુરીની લારીવાળો મોટા તપેલામાં પગથી બટાકા ધોઇ રહ્યો હોય તેવું વીડિયોમાં જોઇ શકાય છે
![Panipuri: પાણીપુરી ખાતા લોકો થઇ જાવ સાવધાન, પગથી બટાકા ધોઇ રહ્યો છે લારીવાળો, જુઓ VIDEO Panipuri: A video of a person washing potatoes with his feet is going viral. Panipuri: પાણીપુરી ખાતા લોકો થઇ જાવ સાવધાન, પગથી બટાકા ધોઇ રહ્યો છે લારીવાળો, જુઓ VIDEO](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/25/9fd2b802f86f580737605e7dbfc84330170615569323874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Panipuri: પાણીપુરીના શોખીનો સાવધાન થઇ જાવ. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લારીવાળો બટાકા પગથી ધોઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો વડોદરાનો છે. શહેરના દાંડીયા બજારમાં પાણીપુરીની લારીવાળો પગથી બટાકા ધોતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
પાણીપુરીની લારીવાળો મોટા તપેલામાં પગથી બટાકા ધોઇ રહ્યો હોય તેવું વીડિયોમાં જોઇ શકાય છે. એટલું જ નહી વીડિયોમાં જોઇ શકાય છે કે બટાકા રોડ પર પડી જતા તે પાણીથી ધોઇ ફરીથી તપેલામાં નાખી રહ્યો છે. આવા લારી વાળા હાઇજીન પાણીપુરીના નામે લોકો પાસેથી વધુ રૂપિયા વસૂલે છે. હાઇજીનના નામે પાણીપુરી વેચતા લોકો પર આ વીડિયો સવાલો ઉભો કરી રહ્યો છે.
ગયા મહિને જ રાજકોટની સંકલ્પ હોટલમાં ઢોંસા સાથે અપાતા સાંભરમાંથી માખી નીકળી હોવાની ઘટના બની હતી. રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી સંકલ્પ હોટલમાં એક વ્યક્તિ પરિવાર સાથે જમવા માટે ગયા હતા. જ્યાં તેમણે ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે ઢોંસા સાથે આપવામાં આવતા સાંભરમાંથી માખી નીકળી હતી. જેનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો. બાદમાં ગ્રાહકે હોટલના મેનેજરને આ અંગેની ફરિયાદ કરી હતી. જોકે હોટલ મેનેજરે કહ્યું કે અમે બેદરકારી દાખવતા નથી પણ ભૂલ થઈ ગઈ હશે. આખરે ગ્રાહકે વીડિયો સોશલ મીડિયામાં વાયરલ કરી અન્ય લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે અમદાવાદમાં પણ ગયા મહિને આ પ્રકારની ઘટના બની હતી. અમદાવાદમાં એક પિત્ઝા સેન્ટરમાં સલાડમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હતી. શહેરના વસ્ત્રાલમાં વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિત્ઝામાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. બ્રિટિશ પિત્ઝામાં સલાડમાંથી ઇયળ નીકળી હતી. આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી. ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ રિયલ પેપરિકામાં પણ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આલું ટીક્કીમાં ઈયળ મળી હોવાની ઘટના બની હતી. અડધું બર્ગર ખાઈ ગયા બાદ ઈયળ દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી.
તે સિવાય રામદેવનગર પાસે આવેલી કોર્ટીયાર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો તેમણે જીવાતનો વીડિયો પણ મોબાઇલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો. ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી.
બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. ગુરૂવારના ફરી શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)