Vadodara: PIએ સ્વિટીના બર્થ-ડે પર ખરીદેલી કાર સ્વિટીની લાશના નિકાલમાં વાપરી, આ કારના કારણે જ ફૂટ્યો ભાંડો
અજય દેસાઈએ હત્યાના ગુનામાં વાપરેલી કાર જીપ કંપાસ બીજાના નામે લીધી હતી અને આ કાર અજય દેસાઈ પોતે વાપરતો હતો. સ્વીટીના જન્મદિવસે આ કાર ખરીદાઇ હતી અને હત્યા કરવામાં અજય દેસાઈએ કાર ઉપયોગમાં લીધી હતી.
વડોદરા: વડોદરાના ચકચારી સ્વિટી પટેલ (ઉ.વ. 40) કેસમાં સ્વિટીની હત્યા સ્વિટી સાથે છેલ્લાં આઠ વર્ષથી સંબંધ ધરાવતા અને પરીણિત હોવા છતાં તેની સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ(ઉ.વ. 35)એ કરી હોવાનો ધડાકો થયો છે. આ ઘટનામાં કરૂણતા એ છે કે, સ્વિટીની લાશને સળગાવવા માટે અજય દેસાઈએ જે કાર વાપરી હતી તે કાર સ્વિટીના બર્થ ડે પર જ ખરીદી હતી.
અજય દેસાઈએ હત્યાના ગુનામાં વાપરેલી કાર જીપ કંપાસ બીજાના નામે લીધી હતી અને આ કાર અજય દેસાઈ પોતે વાપરતો હતો. સ્વીટીના જન્મદિવસે આ કાર ખરીદાઇ હતી અને હત્યા કરવામાં અજય દેસાઈએ કાર ઉપયોગમાં લીધી હતી.
યોગાનુયોગ અજય દેસાઈ માટે આ કાર જ તેનાં કરતૂતનો ભાંડો ફોડવામાં કારણભૂત બની હતી. પાંચમી જૂનના રોજ અજય દેસાઈ પોતાની કમ્પાસ કાર રિવર્સમાં ઘરના દરવાજા પાસે લઈ ગયા હતા. સામાન્ય રીતે તેઓ કાર ઘરની બહારની બાજુએ જ પાર્ક કરતા હતા પણ એ દિવસે કારને રિવર્સમાં ઘરના દરવાજા પાસે લઈ જતા હોવાનું સીસીટીવીમાં દેખાતાં પોલીસને શંકા ગઈ હતી.
વડોદરા પાસેના કરજણની પ્રાયોશા સોસાયટીમાં રહેતા અમદાવાદ ગ્રામ્ય એસઓજી પી.આઈ. અજય દેસાઈએ પત્નિ અને લિવ-ઈન પાર્ટનર વચ્ચેની ખેંચતાણથી બચવા 4 જૂનની રાતે સ્વિટીની ગળું દબાવી હત્યા કરી હતી. 2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી. અજય દેસાઈ એ વખતે પરીણિત હતા ને સ્વિટી પણ પરીણિત હતી છતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. સ્વિટી અજયથી 5 વર્ષ મોટી હતી.
વડોદરામાં સ્વીટી પટેલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પીઆઈ અજય દેસાઈ અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી હતી. બંનેની સામે હત્યા, ગુનાહિત ષડ્યંત્ર અને મદદગારીની કલમો મુજબ કરજણ ખાતે ગુનો નોંધાયો છે. પકડાયેલ બન્ને આરોપીને વડોદરા ખાતે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે.