Ukraine War: પૂર્વ યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો રોકેટ હુમલો, ઓછામાં ઓછા 30 લોકોના મોત
રશિયન દળો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર ઇઝિયમથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છે.
મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. શુક્રવારે રશિયાએ યુક્રેનના પૂર્વીય શહેર ક્રામાટોર્સ્કમાં એક રેલવે સ્ટેશન પર રોકેટથી હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયન સૈનિકોના હુમલાથી યુક્રેનના ઘણા શહેરોમાં ઇમારતો, રસ્તાઓ તબાહ થઇ ગયા છે. જ્યારે સામાન્ય નાગરિકોના મોતની ઘટનાઓ પણ સતત વધી રહી છે. રશિયન હુમલામા યુક્રેનના સામાન્ય નાગરિકોના મોતની ઘટનાઓની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે.
રશિયાની સેના ઉત્તરી યુક્રેનમાંથી હટી
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે નવી જાહેરાત કરી છે કે રશિયન સેના ઉત્તરી યુક્રેનથી બેલારુસ અને રશિયા તરફ સંપૂર્ણ રીતે હટી ગઈ છે. સૈનિકોને ડોનબાસમાં લડવા માટે પૂર્વ યુક્રેનમાં મોકલી દેવામાં આવશે. જેમા ડોનેટસ્ક અને લુહાન્સ્કના અલગતાવાદી પ્રદેશોનો સમાવેશ થાય છે.
યુક્રેનના પૂર્વ અને દક્ષિણી શહેરોમાં રશિયન ગોળીબાર ચાલી રહ્યો છે. રશિયન દળો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર ઇઝિયમથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છે. જે મોસ્કોના નિયંત્રણ હેઠળ છે. બીબીસીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઉત્તરમાં કિવની આસપાસના વિસ્તારમાંથી પોતાના દળોને હટાવ્યા બાદ રશિયા હવે પૂર્વ યુક્રેન પર કબજો કરવા માંગે છે.