Poland: યુક્રેન યુદ્ધમાં હવે NATOની થશે એન્ટ્રી! પોલેન્ડે તોડી પાડ્યા રશિયાના ડ્રોન
પોલેન્ડે દાવો કર્યો છે કે તેણે ઈરાની મૂળના કેટલાક રશિયન ડ્રોનને તોડી પાડ્યા છે.

યુક્રેન યુદ્ધ વધુ ભયાનક થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી ગઈ છે. પોલેન્ડે દાવો કર્યો છે કે તેના હવાઈ ક્ષેત્રમાં "વારંવાર ઉલ્લંઘન" કરતા રશિયન ડ્રોનને તોડી પાડવા માટે નાટો ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલેન્ડે દાવો કર્યો છે કે તેણે ઈરાની મૂળના કેટલાક રશિયન ડ્રોનને તોડી પાડ્યા છે. બુધવારે સવારે પોલેન્ડ અને નાટો ગઠબંધનના F-16 ફાઇટર જેટ એક્ટિવ કરવામાં આવ્યા છે અને તોડી પાડવામાં આવેલા ડ્રોનને કબજે કરવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરાઈ હતી. અનેક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી હતી.
#UPDATE Poland says "hostile objects" were downed by Polish or allied aircraft scrambled in response to multiple violations of its airspace during a Russian attack on Ukraine https://t.co/6SQ4iRlpOX pic.twitter.com/VWLUvTwCAn
— AFP News Agency (@AFP) September 10, 2025
પોલેન્ડનો રશિયન ડ્રોનને તોડી પાડવાનો દાવો ખૂબ જ ખતરનાક છે, કારણ કે પોલેન્ડ નાટો સભ્ય છે અને નાટોના કલમ-5 અનુસાર, જો કોઈપણ નાટો દેશ પર હુમલો કરવામાં આવે છે તો તે બધા નાટો દેશો પર હુમલો ગણવામાં આવશે. તેથી જ આ યુદ્ધ ભડકવાની શક્યતા ખૂબ જ વધી ગઈ છે. પોલેન્ડે તેના નાગરિકોને ઘરે રહેવા વિનંતી કરી છે. અગાઉ, યુક્રેનિયન વાયુસેનાએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર કહ્યું હતું કે રશિયન ડ્રોન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે અને પોલેન્ડના ઝમોસ્ક શહેર પર હુમલાનો ભય છે.
પોલેન્ડે રશિયન ડ્રોનને તોડી પાડ્યો હોવાનો દાવો કર્યો છે
પોલેન્ડમાં કેટલા રશિયન ડ્રોન ઘૂસ્યા અને પોલિશ વાયુસેના દ્વારા કેટલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા તે હજુ સુધી સ્પષ્ટ નથી. પોલિશ અધિકારીઓએ કહ્યું છે કે "અનિયોજિત લશ્કરી પ્રવૃત્તિ"ને કારણે વારસૉમાં ચોપિન એરપોર્ટ અને મોડલિન એરપોર્ટ ઉપરનો હવાઈ વિસ્તાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. યુક્રેનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછું એક ડ્રોન યુક્રેનની પશ્ચિમી સરહદ નજીક પશ્ચિમી પોલેન્ડ શહેર રઝેઝો તરફ જઈ રહ્યું હતું. નાટો સભ્ય તરીકે, જો કોઈ બિન-નાટો દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો પોલેન્ડને નાટો જોડાણથી રક્ષણ મળે છે. પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે પણ પુષ્ટી કરી હતી કે સેના શસ્ત્રોનો ઉપયોગ કરી રહી છે અને તોડી પાડવામાં આવેલા લક્ષ્યોની શોધ ચાલુ છે. આ ઘટનાએ યુરોપમાં રશિયા-યુક્રેન યુદ્ધ ફેલાવાનો ભય વધાર્યો છે.
પોલિશ મીડિયા અહેવાલો અનુસાર, રાજધાની વારસૉના સૌથી મોટા ચોપિન એરપોર્ટ સહિત ચાર એરપોર્ટ, હવાઈ ક્ષેત્રમાં "અનિયોજિત લશ્કરી પ્રવૃત્તિઓ"ને કારણે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા. આમાં રઝેશૉ-જાસિઓન્કા એરપોર્ટ, વારસૉ-મોડલિન એરપોર્ટ અને લ્યૂબ્લિન એરપોર્ટનો સમાવેશ થાય છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ પણ એક નિવેદન જાહેર કર્યું છે કે હવાઈ સુરક્ષાને કારણે આ પગલું જરૂરી છે. રાજધાની અને અન્ય શહેરોમાં નાગરિકોને તેમના ઘરો ન છોડવાની કડક સૂચના આપવામાં આવી છે. સંરક્ષણ નાયબ પ્રધાન સેર્ગેઈ ટોમચિકે કહ્યું છે કે "બધી સેવાઓ એલર્ટ પર છે".
યુક્રેન પર રશિયાનો પણ જોરદાર હુમલો
બીજી તરફ, યુક્રેનના પશ્ચિમી શહેર લ્વિવમાં પણ રશિયન ડ્રોન હુમલાઓ યથાવત છે. શહેરના મેયર આન્દ્રે સાદોવીએ ટેલિગ્રામ પર ચેતવણી આપી હતી કે શહેરમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે અને નાગરિકોને સોશિયલ મીડિયા પર તસવીરો શેર ન કરતા હોટલાઇન પર રિપોર્ટ શેર કરવાની સલાહ આપવામાં આવી છે. લ્વિવનું ભૌગોલિક સ્થાન પોલેન્ડની દક્ષિણપૂર્વ સરહદની નજીક છે, તેથી અહીં ડ્રોન હુમલો પોલેન્ડની સુરક્ષા માટે સીધો ખતરો છે. આ જ કારણ છે કે પોલેન્ડમાં એલાર્મ વાગતાની સાથે જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કેટલાક ડ્રોન સરહદ પાર કરીને પોલેન્ડમાં પ્રવેશી ગયા છે.





















