S jaishankar : સ્વર્ગીય સુષ્મા સ્વરાજને લઈને પોમ્પિયોના નિવેદનથી જયશંકર લાલઘુમ, મોં પર ચોપડાવ્યું
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન, પોમ્પિયો 2017 થી 2018 સુધી તેમના વહીવટમાં CIA ડિરેક્ટર હતા અને ત્યારબાદ 2018 થી 2021 સુધી વિદેશ મંત્રી પદે રહ્યાં હતા.
S jaishankar On Mike Pompeo: અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના નિવેદન પર ભારતના વર્તમાન વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપી છે. જયશંકરે તેમના સમકક્ષ સ્વર્ગીય સુષ્મા સ્વરાજને ક્યારેય 'મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ' તરીકે ના જોવાને લઈને નિવેદન બદલ પોમ્પિયોની આકરી ટીકા કરી હતી.
એક વાતચીત દરમિયાન એસ જયશંકરે કહ્યું હતું કે, મેં પોમ્પિયોના પુસ્તકમાં સુષ્મા સ્વરાજનો ઉલ્લેખ કરતો એક ભાગ જોયો છે. હું હંમેશા તેમને ખૂબ માન આપું છું અને તેમની સાથે ખૂબ જ ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. હું તેમના માટે વપરાતી અપમાનજનક પરિભાષાની નિંદા કરું છું. તેમના પુસ્તક 'નેવર ગીવ એન ઈંચ: ફાઈટીંગ ફોર ધ અમેરિકા આઈ લવ'માં પોમ્પિયોએ સુષ્મા સ્વરાજનું વ્યંગાત્મક શબ્દોમાં વર્ણન કર્યું છે.
કોની સાથે કર્યું છે કામ?
સુષ્મા સ્વરાજ નરેન્દ્ર મોદીની સરકારના પહેલા કાર્યકાળમાં મે 2014 થી મે 2019 સુધી ભારતના વિદેશ મંત્રી હતા. ઓગસ્ટ 2019માં તેમનું અવસાન થયું. પોમ્પિયો (59) તેમના પુસ્તકમાં લખે છે, “ભારતીય પક્ષમાં, મારા સમકક્ષ એટલે કે સુષ્મા સ્વરાજ ભારતીય વિદેશ નીતિ ટીમમાં મહત્વપૂર્ણ વ્યક્તિ નહોતા. તેમના બદલે મેં PM મોદીના નજીકના વિશ્વાસુ NSA અજીત ડોભાલ સાથે વધુ નજીકથી કામ કર્યું છે તેમ પોમ્પિયોએ કહ્યું હતું.
જયશંકરને કેમ ગણાવ્યા શ્રેષ્ઠ?
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન, પોમ્પિયો 2017 થી 2018 સુધી તેમના વહીવટમાં CIA ડિરેક્ટર હતા અને ત્યારબાદ 2018 થી 2021 સુધી વિદેશ મંત્રી પદે રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, મારા અન્ય ભારતીય સમકક્ષ સુબ્રમણ્યમ જયશંકર હતા. મે 2019માં અમે ભારતના નવા વિદેશ મંત્રી તરીકે 'J'નું સ્વાગત કર્યું.
હું આનાથી વધુ સારા સમકક્ષ માટે ના કહી શકુ. મને આ વ્યક્તિ ગમે છે. તે જે સાત ભાષાઓ બોલે છે તેમાંની એક અંગ્રેજી છે અને તે મારા કરતાં પણ વધુ સારી છે. જાહેર છે કે, પોમ્પીયો 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે.
મુત્સદ્દીગીરીનો આધાર કેમ લીધો?
પોમ્પિયોએ તેમના પુસ્તકમાં એમ પણ કહ્યું છે કે, અમેરિકા દ્વારા ભારતની ઉપેક્ષા કરવી એ બંને પક્ષોની દાયકાઓ જૂની નિષ્ફળતા હતી. તેમણે કહ્યું હતું કે, અમે સ્વાભાવિક સહયોગી છીએ કારણ કે અમે લોકશાહી, સામાન્ય ભાષા, લોકોના સંબંધો અને ટેકનોલોજીનો ઇતિહાસ શેર કરીએ છીએ. ભારત અમેરિકન બૌદ્ધિક સંપદાની સાથો સાથ ઉત્પાદનોની ઉચ્ચ માંગ ધરાવતું બજાર પણ છે. આ પરિબળો તેમજ દક્ષિણ એશિયામાં તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે મેં ચીનના આક્રમણનો સામનો કરવા માટે ભારતને મારી મુત્સદ્દીગીરીનો આધાર બનાવ્યો તેમ તેમણે કહ્યું હતું.