(Source: ECI/ABP News/ABP Majha)
Corona in China: ચીનમાં કોરોનાના વધતા કેસથી દુનિયાભરમાં ચિંતા, શાંઘાઇમાં એક દિવસમાં નવા 8226 કેસ નોંધાયા
દેશના અનેક પ્રાન્તમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધુ નોંધાયા છે. જેનાથી લોકો વચ્ચે ડરનો માહોલ છે.
દુનિયાભરમાં કોરોના મહામારી વિરુદ્ધ લડાઇ ચાલી રહી છે. ચીનમાં તાજેતરના દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં 13,146 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જે લગભગ બે વર્ષ અગાઉ પ્રથમ લહેરના પીક બાદ સૌથી વધુ કેસ છે. શાંઘાઇમાં એક દિવસમાં રેકોર્ડ 8226 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. દેશના અનેક પ્રાન્તમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધુ નોંધાયા છે. જેનાથી લોકો વચ્ચે ડરનો માહોલ છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે એક નિવેદનમાં કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે કોઇ નવા મોતની સૂચના મળી નથી. જ્યારે શાંઘાઇમાં એકવાર ફરીથી લોકડાઉન વધારી દેવામા આવ્યું છે.
શાંઘાઇમાં લોકડાઉન વધતા મુશ્કેલી વધી
ચીનના શાંઘાઇ શહેરમાં કોરોનાના કેસ વધતા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. શહેરના પૂર્વીય જિલ્લાઓમાં રહેનારા લોકો આજે પાંચ દિવસમાં લોકડાઉનમાંથી બહાર આવ્યા હતા પરંતુ એકવાર ફરી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. શાંઘાઇના લાખો લોકો લગભગ બે વર્ષ બાદ કડક લોકડાઉનની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે.
28 માર્ચે ચીનના સૌથી મોટા શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટને ફેલાતતો રોકવા માટે બે તબક્કામાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતુ. પૂર્વી શાંઘાઈ માટે શરૂઆતમાં પાંચ દિવસના લોકડાઉન લગાવવાની યોજના હતી. ત્યારબાદ શહેરના પશ્ચિમી જિલ્લાઓમાં વધારાના પાંચ દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
લોકોને ઘરની બહાર ન નીકળવાની કડક સૂચના
ચીની આરોગ્ય અધિકારીઓએ 31 માર્ચે જાહેરાત કરી હતી કે તેઓ તેના બદલે પૂર્વમાંથી પ્રતિબંધો હટાવશે. પશ્ચિમ શાંઘાઈમાં આજથી પાંચ દિવસના પ્રતિબંધો સાથે શહેરની 26 મિલિયન વસ્તીને લોકડાઉનમાં રહેવાની ફરજ પાડવામાં આવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. કચરો ફેંકવા અથવા તમારા કૂતરાને ફરવા લઈ જવાની પણ મનાઈ છે. શહેરના મોટા ભાગના જાહેર પરિવહનને પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને તમામ બિન-આવશ્યક વ્યવસાય હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.