UNHRC Voting: ચીન સહિત આ 24 દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના પક્ષમાં આપ્યો મત, જુઓ આખુ લિસ્ટ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા આ ઠરાવમાં 93 દેશોએ રશિયાને બહાર કરી દેવાના પક્ષમાં મતદાન કર્યું હતું
ન્યૂયોર્કઃ યુક્રેનિયન શહેર બુચામાં રશિયન સૈનિકો દ્વારા કથિત નરસંહારને પગલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં માનવ અધિકાર પરિષદ (UNHRC)માંથી રશિયાને બહાર કરી દેવામાં આવ્યું છે. મતદાન બાદ આ અંગેનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, રશિયા સહિત વિશ્વના કુલ 24 દેશોએ આ પ્રસ્તાવમાં રશિયાને સમર્થન આપ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા આ ઠરાવમાં 93 દેશોએ રશિયાને બહાર કરી દેવાના પક્ષમાં મતદાન કર્યું હતું, જ્યારે માત્ર 24 મત વિરોધમાં પડ્યા હતા. આ દરમિયાન ચીને ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કર્યું હતું અને પ્રસ્તાવના વિરોધમાં વોટ કર્યો હતો. જ્યારે ભારત, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા સહિત 58 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયા વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ વોટિંગ પેટર્ન અને અન્ય દેશોની ભૂમિકાને જોતા સમજી શકાય છે કે રશિયાનું સમર્થન પણ વધ્યું છે.
આ 24 દેશોએ રશિયાને આપ્યું સમર્થન
અલ્ઝીરિયા, બેલારૂસ, બોલીવિયા, બરુંડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચીન, કોંગો, ક્યૂબા, નોર્થ કોરિયા, એરીસ્ટ્રિયા, ઇથિયોપિયા, ગૈબન, ઇરાન, કઝાકિસ્તાન, કીર્ગિસ્તાન, લાઓસ, માલી, નિકારાગુઆ, રશિયા, સીરિયા, તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, વિયેતનામ, ઝિમ્બાબ્વે.
યુએસ એમ્બેસેડર થોમસ ગ્રીનફિલ્ડે યુક્રેનિયન શહેર બુચામાં રશિયન સૈનિકો દ્ધારા યુક્રેનના નાગરિકોની હત્યાના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ 47 સભ્યોની માનવ અધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. અમેરિકા અને યુક્રેને રશિયન સૈનિકોના આ કૃત્યને યુદ્ધ અપરાધ ગણાવ્યો છે.
ભારત, પાકિસ્તાન સહિત 58 દેશો મતદાનથી દૂર રહ્યા
ભારત સહિત કુલ 58 દેશો ગેરહાજર રહ્યા હતા. આ પ્રસ્તાવ સાથે અમેરિકાનો પ્રયાસ હતો કે વધુને વધુ દેશો તેની સાથે આવે પરંતુ ભારત સહિત અનેક દેશો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, ઘાના, ઈરાક, કુવૈત, નેપાળ, મલેશિયા, માલદીવ, સુરીનામ, સિંગાપોર સહિત 58 દેશો મતદાનથી દૂર રહ્યા હતા.
આ પણ વાંચોઃ
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક