Coronavirus Delta Variant: કોરોનાનો ડેલ્ટા વેરિયંટ કયા ચેપી રોગ જેવો છે ? જાણો WHO એ શું કહી મોટી વાત
Delta Variant Update: અમેરિકન હેલ્થ ઓથોરિટીના કહેવા પ્રમાણે ડેલ્ટા વેરિયંટ એટલો ચેપી છે કે તે અછબડાની જેમ ઝડપથી ફેલાઈ શકે છે. તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી લાગી શકે છે.
વોશિંગ્ટનઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો ડેલ્ટા વેરિયંટ હાલ ફેલાઈ ચુક્યો છે. જેને લઈ અમેરિકાના ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન સેન્ટરના અહેવાલમાં ડેલ્ટા વેરિયંટ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકન હેલ્થ ઓથોરિટીના કહેવા પ્રમાણે ડેલ્ટા વેરિયંટ એટલો ચેપી છે કે તે અછબડાની જેમ ઝડપથી ફેલાઈ શકે છે. તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી લાગી શકે છે.
વેક્સિને લેનારને પણ લાગી શકે છે ચેપ
અમેરિકન નિષ્ણાત ડૉ. રોશેલી વેલેન્સ્કીએ કહ્યું હતું કે કોરોનાના બધા જ વેરિયંટમાં ડેલ્ટા સૌથી વધારે ઘાતક છે. વેક્સિન લઈ લેનારા લોકોથી પણ ડેલ્ટા વેરિયંટનો ચેપ લાગી શકે છે. સામાન્ય રીતે લોકો એવી ધારણા બાંધી લેતા હોય છે કે વેક્સિન લઈ લીધા પછી પોતાને ખતરો ઓછો થઈ જાય છે અને તેનાથી અન્યને ચેપ લાગવાની શક્યતા પણ ઘટી જાય છે, પરંતુ ડેલ્ટા વેરિયંટ એટલો ખતરનાક છે કે આ ધારણા ખોટી પાડી દે છે.
કયા દેશમાં નોંધાયો હતો પ્રથમ કેસ
ડેલ્ટા વેરિયંટનો પહેલો કેસ ભારતમાં નોંધાયો હતો. એ પછી ડેલ્ટા વેરિયંટનો ફેલાવો ઝડપભેર દુનિયામાં થઈ રહ્યો છે. કોરોનાના તમામ વેરિયંટમાં ડેલ્ટા વેરિયંટ સૌથી વધુ શક્તિશાળી હોવાથી તેનો ફેલાવો ઝડપભેર થઈ રહ્યો છે.
ડેલ્ટા વેરિયંટથી આ દેશોમાં ચોથી લહેરનો ખતરો
ડેલ્ટા વેરિયંટના કારણે ઘણાં દેશોમાં ચોથી લહેરનો ખતરો સર્જાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં કહેવાયું હતું કે મધ્ય-પૂર્વના દેશોમાં ડેલ્ટા વેરિયંટનો ખતરો સવિશેષ મંડરાઈ રહ્યો છે. ઈરાન, ઈરાક, ટયુનિશિયા, લીબિયા જેવા દેશોમાં અચાનક કોરોનાના કેસ વધ્યા હતા. આ દેશોની માત્ર ૫.૫ ટકા વસતિએ જ વેક્સિન લીધી હોવાથી ત્યાં ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડૉ. અહેમદ અલ મંધારીએ કહ્યું હતું કે મિડલ-ઈસ્ટના ૨૨માંથી ૧૫ દેશોમાં ડેલ્ટા વેરિયંટ નોંધાઈ ચૂક્યો છે. જે લોકોને ડેલ્ટા વેરિયંટનો કોરોના થાય છે, તેમાંથી મોટાભાગનાએ વેક્સિન લીધી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વેક્સિનેશન માટે ફરીથી અપીલ કરી હતી.
ભારતમાં શું છે કોરોનીની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,649 નવા કેસ નોંધાયા હતા અને 37,291 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 593 લોકોના મોત થયા હતા.દેશમાં અત્યાર સુધીમાં કુલ 46, 15,18,479 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 44,38,901 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.
- કુલ કેસઃ 3,16,13,993
- એક્ટિવ કેસઃ 4,08,920
- કુલ રિકવરીઃ 3,07,81,263
- કુલ મોતઃ 4,23,810