કોણ છે યુવા નેતા સુદાન ગુરુંગ? જેના એક ઈશારે નેપાળ ભડકે બળ્યું, પીએમ ઓલીએ પણ રાજીનામું આપવું પડ્યું
‘Gen-Z’ના નેતૃત્વકર્તા તરીકે ઉભરી આવેલા સુદાન ગુરુંગે સોશિયલ મીડિયાના પ્રતિબંધ વિરુદ્ધ શરૂ કરેલું આંદોલન હવે સરકાર વિરોધી બની ગયું છે.

Sudan Gurung Nepal: નેપાળમાં તાજેતરમાં શરૂ થયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધના વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું. આ સમગ્ર આંદોલનનો મુખ્ય ચહેરો ‘Gen-Z’ ના નેતા સુદાન ગુરુંગ છે, જે એક સામાજિક કાર્યકર્તા અને ‘હામી નેપાળ’ નામના સંગઠનના પ્રમુખ છે. ગુરુંગે સોશિયલ મીડિયાના પ્રતિબંધ સામે યુવાનોને એક કર્યા અને આ લડતને ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ફળ નીતિઓ વિરુદ્ધના આંદોલનમાં ફેરવી દીધી છે. તેમના આહ્વાન બાદ દેશના મુખ્ય વિસ્તારોમાં ભારે તોડફોડ થઈ છે.
નેપાળમાં સરકાર વિરુદ્ધ Gen-Z પ્રદર્શનોએ રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે. આ આંદોલનની શરૂઆત ભલે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધથી થઈ હોય, પરંતુ હવે તે વડાપ્રધાનના રાજીનામાની માંગ સુધી પહોંચી ગયું છે. આ સમગ્ર ચળવળ પાછળનો મુખ્ય ચહેરો સુદાન ગુરુંગ નામનો એક યુવાન સામાજિક કાર્યકર્તા છે.
કોણ છે સુદાન ગુરુંગ?
સુદાન ગુરુંગ એક 36 વર્ષીય સામાજિક કાર્યકર છે અને ‘હામી નેપાળ’ નામના બિન-સરકારી સંગઠન (NGO) ના પ્રમુખ છે. આ સંગઠન 2020 માં નોંધાયેલું છે અને તે કુદરતી આફતો, યુવા સશક્તિકરણ અને સામાજિક પરિવર્તનના કાર્યોમાં સક્રિય છે. ગુરુંગ નેપાળના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમના એક અવાજ પર હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. તેમણે યુવાનોને એકત્ર કરવા માટે સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કર્યો અને તેમને શાંતિપૂર્ણ વિરોધ માટે પ્રેરિત કર્યા. તેમનો ઉદ્દેશ્ય ફક્ત સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવાનો નથી, પરંતુ દેશમાંથી ભ્રષ્ટાચાર અને ખોટી સરકારી નીતિઓનો અંત લાવવાનો છે.
આંદોલનની શરૂઆત અને તેનો વ્યાપ
આંદોલનની શરૂઆત 04 સપ્ટેમ્બર, 2025 ના રોજ થઈ, જ્યારે નેપાળ સરકારે અચાનક 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને એક્સ જેવી મુખ્ય સાઇટ્સનો સમાવેશ થાય છે. આનાથી યુવાનોમાં ભારે ગુસ્સો ભડકી ઉઠ્યો અને હામી નેપાળ નામના સંગઠને વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આ વિરોધ સરકારના ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને ગેરવહીવટ સામે એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયો.
સુદાન ગુરુંગની મુખ્ય માંગણીઓ
આંદોલનને વધુ વેગ આપવા માટે સુદાન ગુરુંગે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો, જેમાં તેમણે સરકાર સામે સ્પષ્ટ અને કડક માંગણીઓ રજૂ કરી છે:
વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ તાત્કાલિક રાજીનામું આપવું.
બધા પ્રાંતીય મંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપવું.
પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી.
નેપાળમાં યુવાનોની આગેવાની હેઠળ એક વચગાળાની સરકારની રચના કરવી.
દેશમાં વર્તમાન પરિસ્થિતિ
ગુરુંગ ની માંગણીઓ બાદ પ્રદર્શનો વધુ હિંસક બન્યા છે. પ્રદર્શનકારીઓએ દેશના મુખ્ય ભાગોમાં ભારે તોડફોડ કરી છે અને રાષ્ટ્રપતિ સહિત ઘણા મોટા નેતાઓના ઘરોને આગ ચાંપી દીધી છે. પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા કે શાંત થવા માટે તૈયાર નથી. આ પરિસ્થિતિએ નેપાળની રાજકીય સ્થિરતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.





















