અમદાવાદ: ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરોથી રાજસ્થાનમાં હિમવર્ષા થઈ હતી. તેમજ ઠંડા પવનોની અસરથી સોમવારે ગુજરાતનાં 7 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો હતો. કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં વધારો થતાં લોકોએ દિવસે પણ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, 30 જાન્યુઆરીથી ઠંડીમાં ક્રમશ: ઘટાડો નોંધાશે. ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
2/5
સમગ્ર રાજ્યમાં 6.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત્ રહ્યા બાદ 30મીથી 2 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધી શકે છે. ઠંડીમાં રાહત રહેશે પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડી પડવાના સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે.
3/5
આગામી 24 કલાક અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત્ રહ્યાં બાદ ક્રમશ: ગરમીમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહે છે. હિમાલય તરફથી આવતાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોથી ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જ્યારે 7 શહેરમાં 10 ડિગ્રી નીચે પહોંચતાં ઠંડીએ લોકોએ ધ્રુજાવ્યા હતા.
4/5
હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા પવનોને કારણે ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાનમાં રવિવાર કરતાં 1 ડિગ્રી વધીને 25.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ગગડીને 8.6 ડિગ્રી નોંધાયુ હતું.
5/5
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. સમગ્ર ગુજરાતમાં ઠંડો પવન લાગે છે. ત્યારે અમદાવાદમાં મોસમની સૌથી વધુ ઠંડી 8.6 ડિગ્રી નોંધાઈ છે. જ્યારે નલિયામાં 6.7, ડીસામાં 7, ગાંધીનગર 7.4, વડોદરા 7.6, વલસાડ 9.1 અને કંડલા 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.