IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટના 42 કલાક પહેલા ઈગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ-11, આ ખેલાડીની 8 વર્ષ પછી વાપસી
ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 22 રનથી હરાવ્યું હતું અને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી.

ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલા યજમાન ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે પોતાના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચના 24 કલાક પહેલા નહીં, પરંતુ 43 કલાક પહેલા તેના 11 ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે અને આ માટે ઇંગ્લેન્ડે પોતાના પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો છે. લગભગ 8 વર્ષની લાંબી રાહ જોયા બાદ સ્પિનર લિયામ ડૉસને ટીમમાં વાપસી કરી છે.
Our XI for the fourth Test is here 📋
— England Cricket (@englandcricket) July 21, 2025
One change from Lord's 👊
ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 22 રનથી હરાવ્યું હતું અને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડ માટે છેલ્લી વિકેટ સ્પિનર શોએબ બશીરે લીધી હતી. પરંતુ બશીરની આ વિકેટ આ શ્રેણીમાં છેલ્લી વિકેટ સાબિત થઈ હતી કારણ કે તે આંગળીની ઇજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઇંગ્લેન્ડના પસંદગીકારોએ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ડાબા હાથના સ્પિન ઓલરાઉન્ડર લિયામ ડૉસનને ટીમમાં સામેલ કર્યા હતા.
ડૉસનની વાર્તા નાયર જેવી છે
ઇંગ્લેન્ડે ડૉસનના રૂપમાં પ્લેઇંગ ઇલેવનમાં ફક્ત એક જ ફેરફાર કર્યો છે. એટલે કે, ખરાબ ફોર્મ છતાં ઓપનર જેક ક્રોલી, ઉપ-કેપ્ટન ઓલી પોપ અને ઝડપી બોલર ક્રિસ વોક્સને બીજી તક આપવામાં આવી છે. જ્યાં સુધી ડોસનનો સવાલ છે આ 35 વર્ષીય ખેલાડીની વાર્તા ભારતીય ટીમના બેટ્સમેન કરુણ નાયર જેવી જ છે.
નાયરની જેમ ડોસને પણ 2016ની ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે 2017માં 3 મેચ પછી ટીમમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી જેમ નાયરે આ ઇંગ્લેન્ડ શ્રેણીમાંથી વાપસી કરી હતી તેવી જ રીતે આ અંગ્રેજી સ્પિનરને પણ બીજી તક મળી છે. ડોસને 3 ટેસ્ટમાં માત્ર 84 રન બનાવવા ઉપરાંત 7 વિકેટ લીધી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો તેણે 212 મેચમાં 10731 રન બનાવ્યા છે, જેમાં 18 સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના નામે 371 વિકેટો પણ છે, જેમાં તેણે 15 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે.
ઇંગ્લેન્ડનો પ્લેઇંગ-11
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, લિયામ ડૉસન, ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સ અને જોફ્રા આર્ચર.



















